મહિને એક ચૂલો વેચાતો હતો, હવે રોજના બે-ત્રણ વેચાય છે
હોટેલવાળા, લોજવાળા અને ખાણાવળવાળા માટીના ચૂલા ખરીદવા માંડયા છે ઃ વાનગીમાં ધૂમાડાની સોડમ આવે છે
મુંબઇ - ઇરાન-અમેરિકા યુદ્ધને પગલે સર્જાયેલી રાંધણ ગેસની કટોકટીને કારણે ધારાવીના કુંભારવાડામાં માટીના ચૂલાના વેંચાણમાં ખરેખરી તેજી આવી છે.
નાની હોટેલવાળા, લોજ-ખાણાવળવાળા અને ફૂડસ્ટોલવાળા ગેસની કોઠીની અછતને પહોંચી વળવા માટે માટીના ચૂલા વસાવી કોલસા અને લાકડા બાળીને રાંધવા માંડયા છે. ગેસની અછતને કારણે હોટેલ વ્યવસાય પર માઠી અસર પડી છે ત્યારે ધારાવીમાં છેલ્લાં અનેક દાયકાઓથી માટીના ગરબા, માટલા અને બીજા વાસણો બનાવતા પ્રજાપતી પરિવારો માટે આ કટોકટીએ કમાણીની તક આપી છે. લોકોએ માટીના ચૂલાનો વિકલ્પ સ્વીકાર્યો હોવાથી હવે કુંભારવાડામાં ચૂલાનું ઉત્પાદન અને વેંચાણ વધવા માંડયું છે. બે પ્રકારના ચૂલા તૈયાર કરવામાં આવે છે સિંગલ અને ડબલ હોટેલવાળા મુખ્યત્વે ડબલ તેમજ મોટી સાઇઝના ચૂલા ખરીદતા હોય છે. આ ચૂલામાં લાકડાં અથવા કોલસા બાળીને રાંધી શકાય છે. હવે તો ઘરવપરાશ માટે સગડીઓ પણ વેંચાવા માંડી છે.
ધારાવીમાં માટીના વાસણો અને ચૂલા બનાવતા શખસે જણાવ્યું હતું કે અગાઉ અમારે ત્યાંથી મહિને એકાદ ચૂલાનું વેંચાણ થતું હતું. જ્યારે હવે દરરોજ બે-ત્રણ ચૂલા વેંચાય છે માટીના ચૂલાની કિંમત સામાન્ય રીતે ૯૦૦ થી બે હજાર રૃપિયા છે. નાના ચૂલાનું વજન આઠથી નવ કિલો જ્યારે મોટા ચૂલાનું વજન ૧૫ થી ૨૦ કિલોની આસપાસ હોય છે. આ ચૂલા એટલાં મજબૂત હોય છે કે સહેજે પંદર-વીસ વર્ષ ટકે છે. રિંગણાના ઓળા સહિત અમુક વાનગીઓ ચૂલામાં તૈયાર કરવામાં આવે તો અંદર ધૂમાડાની સરસ સોડમ આવે છે. કેટલીય હોટેલોમાં ગેસની કટોકટી નહોતી સર્જાઇ ત્યારથી આવી સ્મોકની સોંડમવાળી વાનગીઓની ડિમાન્ડ રહી છે.
માટીના ચૂલાના ફાયદા વિશે કુંભારવાડાના એક વ્યવસાયીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક સગડી અચાનક બગડી જતી હોય છે, અને વીજળીનો ખર્ચ પણ વધુ આવે છે જ્યારે પારંપારિક ચૂલામાં લાકડા અથવા કોલસા સળગાવી રાંધવાનું સોંઘુ પડે છે અને આ ચૂલા એકદમ સોંઘા છે.
દરમ્યાન હોટેલવાળા ઉપરાંત લાલબાગની મસાલા બજારવાળા પણ લાલ મરચાને ગ્રાઇન્ડ કરતા પહેલા શેકવા માટે ચૂલા વાપરવા માંડયા છે.
એક લોજવાળાએ જણાવ્યું હતું કે ઓનના પૈસા આપ્યા પછી પણ ગેસ સિલિન્ડર મેળવવામાં પડતી પારાવાર મુશ્કેલીને લીધે અમે તો કામચલાઉ લોજ બંધ કરવાનું વિચારતા હતા પણ સદ્ભાગ્યે કોઇએ સૂચવ્યું કે માટીના ચૂલા વાપરવા માંડો. આ સલાહ માની હતી અને ચાર ચૂલા પર રાંધવાનું શરૃ કર્યું છે અને લોજ બંધ કરવાનું માંડી વાળ્યું છે.


