'આટલું સંદેવનશીલ થવાનું બંધ કરો' કહીને હિન્દુસ્તાની ભાઉની અરજી કોર્ટે ફગાવાી

ફરાહ ખાને હોળીને છપરીઓનો તહેવાર ગણાવતાં અરજી કરી હતી
તમે તો છપરી નથી ને, તમને શેનું દુઃ ખ લાગ્યું , ભારે વર્કલોડ ધરાવતી કોર્ટનો બોજ આવી અરજીઓથી ન વધારોઃ કોર્ટની ટિપ્પણી
મુંબઈ - હોળીના તહેવાર વિશે ટિપ્પણી બદલ બોલીવુડ ડિરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન સામે એફઆઈઆર નોંધવાની દાદ સાથે સોશ્યલ મીડયા ઈન્ફ્લુઅન્સર અને બિગબોસના માજી કન્ટેસ્ટન્ટ વિકાસ જયરામ ફાટક (હિન્દુસ્તાની ભાઉ)એ કરેલી અરજીને બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે તેને મૌખિક રીતે આટલા સંવેદનશીલ થવાનું બંધ કરવાનું જણાવીને પહેલેથી જ ભારે બોજા હેઠળ ચાલતી કોર્ટ પર આવા મુદ્દે વધુ બોજો નહીં નાખવાનું જણાવ્યું હતું.
ફાટકે અરજીમાં જણાવ્યું હતું કે ફરાહે ૨૦ ફેબુ્રઆરી ૨૦૨૫ના સેલિબ્રીટી માસ્ટરશેફના એક એપિસોડમાં હોળીને છપરીઓનો તહેવાર ગણાવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ કર્યા છતાં પોલીસે કોઈ પગલાં લીધા નહોવાનું અરજીમાં જણાવ્યું હતું.
કોર્ટે જાણવા માગ્યું હતું કે ખાનની ટિપ્પણીથી અરજદાર કઈ રીતે દુભાઈ શકે? તમને કેમ ઊંડુ દુખ થયું છે? આટલા સંવેદનશીલ થવાનું બંધ કરો અમારી પાસે ૨૦૦થી વધુ કેસ લિસ્ટ થયેલા છે અને તમે આવી બાબતો કોર્ટ સામે લાવો છો.. શા માટે? લોકપ્રિયતા મેળવવા કે તમારું નામ હેડલાઈનમાં આવે એટલા માટે? તેણે છપરી કહ્યું પણ તમે તો છપરી નથી પણ જેન્ટલમેન છો તો કેમ તમને દુખ લાગ્યું? એમ ન્યા. ઘુગેએ મૌખિક રીતે જણાવ્યું હતું.
અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે જે ચેનલ પર શો પ્રસારિત થયો હતો તેણે ફરિયાદ કરવાથી તે હિસ્સો દૂર કરી દીધો હતો. આથી કોર્ટે જણાવ્યું હતું કે તેમણે પગલાં લીધા છે અને હવે તમે પણ ભુલી જાવ. લાંબુ કેમ ખેંચવા માગો છો? તમે જાતે એફઆઈઆર કેમ કરી નહીં અને વકીલ મારફત ફરિયાદ કેમ મોકલાવી?
કોર્ટે અરજી ફગાવવાનો ઈરાદો વ્યક્ત કરતાં અરજદારના વકીલે અરજી પાછી ખેંચવાની પરવાનગી માગી હતી. કોર્ટે હળવાશમાં અરજદારના વકીલને કહ્યું હતું કે 'તમારા અસીલને નેશનલ જ્યોગ્રોફી, ટ્રાવેલ એન્ડ લિવિંગ જેવી ચેનલો જોવી જોઈએ, આવી ચેનલો જોયા બાદ તમારા અસીલ ખુશ થશે.'
ભાઉએ દલીલ કરી હતી કે છપરી શબ્દ અસંસ્કારી અને કોઈ સામાજિક દરજ્જા વિનાનના લોકો માટે વપરાતો અપશબ્દ છે.વ્યાપર રીતે જનતા સામે ખાને કરેલા નિવેદનથી હિન્દુ સમુદાયની ભાવના દુભાઈ છે અને કોમી અશાંતિ નિર્માણ થવાની શક્યતા છે.









