For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતથી અયોધ્યા જઈ રહેલી સ્પેશ્યલ આસ્થા ટ્રેન પર થયો પથ્થરમારો, નંદુરબાર પાસે બની ઘટના

ભક્તો દ્વારા ભજનોની રમઝટ ચાલતી હતી ને પથ્થરમારો શરુ થયો

પ્રવાસીઓએ તત્કાળ બારીબારણા બંધ કરી દેતાં કોઈને ઈજા નહીં

Updated: Feb 12th, 2024


Gujarat to Ayodhya Train : સુરતથી અયોધ્યા જવા રવાના થયેલી આસ્થા સ્પેશ્યલ ટ્રેન પર મહારાષ્ટ્રની હદમાં નંદુરબાર પાસે પથ્થરમારો થયો હતો. રવિવારે ટ્રેન પર પથ્થરમારાની ઘટનાથી પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે, હુમલામાં કોઈને ઈજા થઈ નથી. મહારાષ્ટ્ર રેલવે પોલીસે બનાવ અંગે અજાણ્યા હુમલાખોરો સામે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેન રવિવારે રાત્રે આઠ વાગ્યે સુરત સ્ટેશનેથી અયોધ્યા માટે રવાના થઈ હતી. રાત્રે ૧૦.૪૫ વાગ્યાની આસપાસ ટ્રેન મહારાષ્ટ્રના નંદુરબાર સ્ટેશન નજીક પહોંચી ત્યારે તેના પર હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી ટ્રેનના પ્રવાસી, રામ ભક્તોમાં દહેશત ફેલાઈ હતી. બધાએ તરત જ ટ્રેનના બારી-દરવાજા બંધ કરી દીધા હતા. તે છતાં પણ ટ્રેનની અંદર પથ્થરો આવી રહ્યા હતા. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈપણ પ્રવાસી ઘાયલ થયો નથી.

ઘટનાની માહિતી મળતા જ  જીઆરપી અને આરપીએફના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ, એટલીવારમાં પથ્થરબાજો ભાગી છૂટયા હતા. પ્રાથમિક તપાસ બાદ રેલવે પોલીસે ટ્રેનને આગળ જવાની પરવાનગી આપી હતી. હાલમાં પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે. 

પ્રવાસીઓના કહ્યા મુજબ ટ્રેનમાં લગભગ ૧૩૪૦ જેટલા રામ ભક્તો હતો. રાત્રે ભોજન બાદ બધા પ્રવાસીઓ ભજન-કિર્તન કરી રહ્યા હતા અને અચાનક ચારેય બાજુથી તેમના ઉપર પથ્થરોનો વરસાદ થવા લાગ્યો હતો. તાત્કાલિક બારી બારણા બંધ દેવાથી પ્રવાસીઓ બચી ગયા હતા.

૨૨મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશભરમાંથી આસ્થા સ્પેશિયલ ટ્રેનો અયોધ્યા જઈ રહી છે. મુંબઈથી પણ ગત પાંચમી ફેબ્રુઆરીએ આસ્થા સ્પેશ્યલ ટ્રેન સીએસએમટીથી રવાના થઈ હતી.


Gujarat