નવા એરપોર્ટને કારણે જમીન છીનવાઈ જવાના ડરથી પૂણેમાં દેખાવ, પથ્થરમારો થતાં 18 પોલીસ જવાન ઈજાગ્રસ્ત
Pune Stone Pelting | પૂણે જિલ્લામાં પુરંદર એરપોર્ટ સામે સ્થાનિકોનું આંદોલન ઉગ્ર બનતા શનિવારે ડ્રોન સર્વેક્ષણ દરમિયાન 18 પોલીસકર્મીઓ ઘવાયા હતા. કુંભારવલન ગામમાં આંદોલન દરમિયાન રોષે ભરાયેલા સ્થાનિક આંદોલનકારીઓએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે છ જણની અટકાયત કરી હતી. જોકે સ્થાનિક લોકોએ પોલીસ પર લાઠીચાર્જનો આરોપ કર્યો હતો.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર પુરંદરમાં સૂચિત ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે આસપાસના ગામોના રહેવાસીઓ વાંધો ઉઠાવી રહ્યા છે. આ લોકો સરકારી અધિકારીઓને ડ્રોન વડે જમીનનો સર્વે કરવા આડે અવરોધ ઉભો કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યાનુસાર શુક્રવારે અમુક સ્થાનિકોએ જમીન સર્વેક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલા ડ્રોનને નુકસાન પહોંચાડયું હતું. ત્યારબાદ શનિવારે સર્વેનો વિરોધ કરનારાઓએ સૂચિત સ્થળ પર આંદોલન કર્યું હતું. જ્યારે પોલીસે રસ્તા પર પાર્ક કરેલા વાહનોને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આંદોલનકારીઓએ પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં 18 પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી.
આ ઘટના બાદ પોલીસે છ આંદાલનકારીઓેની અટકાયત કરી હતી અને ગુવનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિકોએ દાવો કર્યો હતો કે એક ગામની 87 વર્ષની મહિલાનુ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું કારણ કે તે એરપોર્ટના પ્રોજેક્ટને લઈ ચિંતિત હતી પણ એસ.પી.એ તેના મૃત્યુને સૂચિત એરપોર્ટ સાથે કાંઈ લેવા દેવા ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. મહિલાના પુત્રએ આરોપ લગાવ્યો હતો કે તેની માતા અત્યંત તણાવમાં હતી કારણ કે તેને ડર હતો કે પ્રસ્તાવિત એરપોર્ટ માટે તેમની જમીન લેવામાં આવી શકે છે.
બારામતીના સાંસદ અને એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ શનિવારના વિરોધ અને અથડામણને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.