જુદાં જુદાં રાજ્યોનાં ૧૧૮ બેન્ક ખાતાં ફ્રિઝ, ૩૨ લાખ જપ્ત
હોટલમાં બેન્ક ખાતાં ઓપરેટ કરવા સીમ કાર્ડની હેરાફેરીની બાતમી મળીઃ અનેક હોટલોમાં સર્ચ બાદ પર્દાફાશ
મુંબઈ - નવી મુંબઈ પોલીસે ચીન અને કંબોડિયામાં સાયબર ગુનેગારો સાથે કથિત રીતે જોડાયેલા શેર ટ્રેડિંગ છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.રોકાણકારો સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી કરનારા સાત ઠગની ધરપકડ કરી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સાયબર પોલીસે ભારતના વિવિધ રાજ્યોમાં ૧૧૮ બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા છે.આ ખાતાઓમાં છેતરપિંડીના વ્યવહારોના કુલ ૩૨.૫ લાખ રૃપિયા જપ્ત કરવામાં આવ્યા છે,એમ તેમણે જણાવ્યું હતું.
સાયબર ક્રાઈમ બ્રાન્ચે ૧.૦૭ કરોડ રૃપિયાની છેતરપિંડીનો ભોગ બનેલા પીડિતાના કેસની તપાસ કરતી વખતે આ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો.
છેતરપિંડી કરનારાઓએ બીજી સપ્ટેમ્બરથી આઠ ઓક્ટોબર દરમિયાન ઘણા લોકોને નિશાન બનાવ્યા હતા. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોકાણની જાહેરાતો દ્વારા શેરબજાર ટ્રેડિંગમાં ઊંચા નફાનું વચન આપીને તેમને જુદાજુદા બેંક ખાતાઓમાં પૈસા મોકલવા કહ્યું હતું.
આ ગેંગે રોકાણ કરેલી રકમ પર મોટો, પરંતુ વર્ચ્યુઅલ નફો બતાવવા માટે નકલી એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો.પીડિતોને ખોટો નફો દાખવીને મોટી રકમનું રોકાણ કરવા માટે લલચાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર છેતરપિંડી કરનારાઓએ પાછળથી રોકાણકારોને મૂળ રોકાણ પરત કરવાનો ઇનકાર કર્યો હતો.
નવી મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, વિવિધ હોટલોમાં ઘણા દિવસો સુધી સઘન તપાસ બાદ પોલીસ કાર્યવાહીના પરિણામે ચીન અને કંબોડિયામાં સાયબર છેતરપિંડી કરનારાઓ સાથે જોડાયેલા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
સાયબર પોલીસ ટીમે શરૃઆતમાં પુણેથી સુરેશ તળેકર (ઉ.વ.૨૯) અને તેના સાથી વિકાસ આવ્હાડ (ઉ.વ.૩૦)ની ધરપકડ કરી હતી.ત્રીજા આરોપી (જેની ધરપકડ કરવામાં આવી નથી) ની વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે તે નવી મુંબઈના મહાપે ખાતેની એક હોટલમાં ચોક્કસ બેંક ખાતાઓ સાથે જોડાયેલા સિમ કાર્ડ આપી શકે માટે ત્રણ અજાણ્યા હિન્દી ભાષી વ્યક્તિઓને મળ્યો હતો.તેઓ બીજા રાજ્યના હોવાની શંકા છે,એમ રિલીઝમાં જણાવાયું છે.
પોલીસે નવી મુંબઈના મહાપે, સાનપાડા, કોપરખૈરાણે, એપીએમસી, વાશી વિસ્તારોમાં ૩૫થી ૪૦ લોજ અને હોટલની તપાસ કરી હતી.
છેવટે તેમણે વાશીની એક હોટલમાંથી પાંચ વ્યક્તિઓને પકડી લીધા હતા અને ગુનાના સંબંધમાં તેમની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછમાં આ રેકેટમાં સીધી આંતરરાષ્ટ્રીય કડીનો સંકેત મળ્યો હતો,કારણ કે ત્રણ લોકો ટેલિગ્રામ એપ દ્વારા ચીન અને કંબોડિયામાં સાયબર છેતરપિંડી કરનારાઓ સાથે સંપર્કમાં હતા.
આરોપીઓની મુખ્ય ભૂમિકા એક એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરન્ટ બેંક એકાઉન્ટના વ્યવહારો દ્વારા જનરેટ થયેલા વન-ટાઇમ પાસવર્ડ્સ (ઓટીપી) વિદેશમાં તેમના હેન્ડલર્સને ફોરવર્ડ કરવાના હતા.
પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણ માટેની જાહેરાતોથી સાવધ રહેવા અને વધુ નફો કમાવવાની લાલચમાં ન ફસાવવા અપીલ કરી છે.


