સ્ટિવન સ્પીલબર્ગે મને થ્રી ઈડિયટની હિરોઈન તરીકે ઓળખી હતીઃ કરીના
કરીના કપૂરને બોલિવૂડ વહાલું, હોલિવૂડ નહીં જાય
સ્ટિવન સ્પિલબર્ગ પણ હિન્દી ફિલ્મો જુએ છેઃ એના માટે મારે અંગ્રેજી ફિલ્મ કરવાની જરુર નથી
મુંબઇ - બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ સ્થિત જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલાં દેશના સૌ પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ-વેવ્ઝના બીજા દિવસે કરીના કપૂરે જણાવ્યું હતું કે મને હિન્દી ફિલ્મોમાં કામ કરવાનો સંતોષ છે અને હું હોલિવૂડની ફિલ્મો કરવા માટે કોઇ દોડધામ કરવામાં માનતી નથી.
સમિટમા ં સિનેમા-ધ સોફ્ટ પાવર સેશનમાં કરીના કપૂરે કરણ જોહરના સવાલ તું હોલિવૂડની ફિલ્મો કરવા કેમ તલપાપડ નથીના જવાબમાં જણાવ્યુ હતું કે કોને ખબર હિન્દી-ઇંગ્લીશ ફિલ્મ મને ઓફર થાય પણ ખરી.આજકાલ તો સ્ટિવન સ્પિલબર્ગ પણ હિન્દી ફિલ્મો જુએ છે. તમને ક્યારે હોલિવૂડની ફિલ્મ મળે તે કહી ન શકાય.
આ સેશનમાં કરીના કપૂરે હોલિવૂડના વિખ્યાત ડાયરેક્ટર સ્ટિવન સ્પિલબર્ગ સાથેનો એક કિસ્સો જણાવ્યો હતો. કરીનાએ જણાવ્યું હતું કે જ્યારે થ્રી ઇડિયટ્સ રિલિઝ થઇ હતી એ અરસામાં હું યુએસમાં પ્રવાસ કરી રહી હતી.
એ સમયે એક રેસ્ટોરાંમાં હું જમી રહી હતી ત્યારે ત્યાં ભોજન કરવા આવેલાં સ્પિલબર્ગે મારી પાસે આવી સવાલ કર્યો હતો કે, તું એ જ છોકરી છે જેણે ખૂબ જાણીતી ત્રણ ભારતીય વિદ્યાર્થીઓ વિશેની ફિલ્મમાં કામ કર્યું છે? મેં જવાબ આપ્યો હતો, હા, હું એ જ છું. સ્પિલબર્ગે જણાવેલું, માય ગોડ.મને આ ફિલ્મ બહું ગમી છે. આમ, સ્પિલબર્ગ મારું કામ જોઇ શકે તે માટે મારે ઇંગ્લીશ ફિલ્મોમાં કામ કરવાની જરૃર નથી. તેણે થ્રી ઇડિયટ્સ જોઇ હતી. એ અમારા માટે ગૌરવની ક્ષણ હતી.