દર વર્ષે થતો પ્રવેશનો વિલંબ ટાળવાનો પ્રયાસ
હાલ પાર્ટ-૧ ની પ્રક્રિયા ચાલુ જ્યારે પાર્ટ-૨ ધો.૧૦નું પરિણામ પછી હાથ ધરાશે
મુંબઇ - મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધોરણ-૧૧ (એફવાયજેસી)ની પ્રવેશ પ્રક્રિયા ૧૦ એપ્રિલથી શરૃ કરવામાં આવી છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રક્રિયા કેન્દ્રિય ઓનલાઇન સિસ્ટમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થીઓ સવારે ૧૦ વાગ્યાથી અરજી કરી શકે છે. આ સિસ્ટમનો હેતુ જુનિયર કોલેજોમાં મેરિટના આધારે પારદર્શક અને સુવ્યવસ્થિત પ્રવેશ સુનિશ્ચિત કરવાનો છે.
પ્રવેશ પ્રક્રિયાને બે ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલા ભાગ (પાર્ટ-૧)માં વિદ્યાર્થીઓએ પોતાની મૂળ વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે. ખાસ વાત એ છે કે આ વર્ષે એસએસસી (ધોરણ ૧૦)ના પરિણામ પહેલા જ પાર્ટ-૧ શરૃ કરવામાં આવ્યો છે, જેથી પ્રવેશ પ્રક્રિયામાં થતો વિલંબ ટાળી શકાય. જ્યારે બીજો ભાગ (પાર્ટ-૨), જેમાં કોલેજ અને સ્ટ્રીમની પસંદગી ભરવાની હોય છે, તે એસએસસી પરિણામ બાદ જૂન મહિનામાં શરૃ થશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેરફાર અગાઉના વર્ષોમાં થયેલી વિલંબની સમસ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેથી સમગ્ર પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ શકે. રાજ્ય બોર્ડ, આઈસીએસઈ અને સીબીએસઈ સહિત વિવિધ બોર્ડના તમામ વિદ્યાર્થીઓ આ પ્રક્રિયામાં અરજી કરવા પાત્ર છે. પ્રશાસને વિદ્યાર્થીઓ અને વાલીઓને નિર્ધારિત સમયમર્યાદામાં નોંધણી પૂર્ણ કરવાની અપીલ કરી છે, જેથી પ્રવેશ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે.


