27 ઑક્ટો. સુધી ધો.10ના પરીક્ષા ફોર્મ ભરી શકાશે

મહારાષ્ટ્ર બોર્ડે મુદ્દત પૂરી થવા પહેલાં જ સમય વધાર્યો
રાજ્યમાં પડેલાં વરસાદ બાદ પૂરસ્થિતિને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી હિતમાં નિર્ણય
મુંબઇ - મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધો.૧૦ની પરીક્ષાના ફોર્મ ભરવાની સોમવાર ૧૫ સપ્ટેમ્બરથી શરુઆત થઈ છે. વિદ્યાર્થીઓને રેગ્યુલર ફી સાથે છઠ્ઠી ઑક્ટોબર સુધી ફોર્મ ભરવાની મંજૂરી અપાઈ હતી. પરંતુ હવે તેને મુદ્દતવધારો અપાયો છે. હવે ૨૭ ઑક્ટોબર સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.
રેગ્યુલર વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જઈ યુડાયસની પેનઆઈડી દ્વારા ઓનલાઈન પદ્ધતીએ પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે. જ્યારે પુનઃપરીક્ષાર્થીઓ, ખાનગી વિદ્યાર્થીઓ તથા અન્ય વિદ્યાર્થીઓ સંબંધિત શાળામાં જઈ ફોર્મ ભરાવી શકશે. તમામ માધ્યમિક સ્કૂલોએ પરીક્ષા ફોર્મ ભરવા પહેલાં શાળા, સંસ્થા, માન્યતાપ્રાપ્ત વિષય, શિક્ષક વગેરેની યોગ્ય માહિતી ભરી બોર્ડને મોકલવાની રહેશે.
ગત બે અઠવાડિયા દરમ્યાન મહારાષ્ટ્રના મરાઠવાડા સહિતના અનેક વિસ્તારોમાં રહેલી પૂરસ્થિતિ તેમજ ભારે વરસાદને ધ્યાનમાં લઈ ઘણાં વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શક્યા નહોતાં. આથી તેમને માટે ખાસ આ મુદ્દત વધારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ટીઈટીના ફોર્મ ભરવાની મુદ્દત પણ વધારાઈ
મુંબઈ, તા.૪ઃ રાજ્યના શિક્ષકો માટે અત્યાવશ્યક શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીઈટી) ફોર્મ ભરવાની મુદ્દત સ્ટેટ એક્ઝામિનેશન કાઉન્સિલે હવે નવમી ઑક્ટોબરની રાત્રે ૧૧.૫૯ સુધી વધારી છે. મહારાષ્ટ્રની પૂરસ્થિતિને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે. આ પરીક્ષા આ વર્ષે ૨૩ નવેમ્બરના રોજ થવાની હોય તે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ૧૫ સપ્ટેમ્બરથી શરુ થઈ ગઈ છે.