વિરાર-અર્નાળાના સમુદ્રપટનો મનોહર નઝારો, પ્રકૃતિ દર્શન થશે
સેન્ડવિચ કાચ પર એકસાથે ૫૦ લોકો ઉભા રહી શકશે અને એકસમયે ૨૦૦ પર્યટકો ચાલી શકશેઃ વિરારમાં રિલિજિયસ ટૂરિઝમને વેગ મળવાની આશા
મુંબઈ - વિરારના પ્રખ્યાત જીવદાની દેવી ડુંગર પર મહારાષ્ટ્રની પહેલી કાચની ગેલેરી બનાવવામાં આવી છે. સમુદ્ર સપાટીથી લગભગ ૧૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલી આ ગેલેરીમાંથી પ્રવાસીઓ ભાયંદરથી સફાલે સુધીના મનોહર વિસ્તારને જોઈ શકશે. આનાથી વસઈ-વિરારના પર્યટનને પણ વેગ મળશે.
વિરાર-ઇસ્ટમાં આવેલું જીવદાની દેવી મંદિર ભક્તો માટે એક પૂજા સ્થળ છે. નવસની દેવી તરીકે જાણીતી દેવીના દર્શન માટે દરરોજ હજારો ભક્તો જીવદાની દેવી મંદિરમાં આવે છે. આ મંદિરના પરિસરમાં જીવદાની મંદિર સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી કાચની ગેલેરી વસઈ વિરારના ભક્તો તેમ જ પર્યટકો માટે ખાસ આકર્ષણ બનશે.
સમુદ્ર સપાટીથી ૧૫૦૦ ફૂટની ઊંચાઈએ ૩૦ મીટર પહોળી કાચની ગેલેરી બનાવવામાં આવી છે, જેમાં ખાસ ૮ બાય ૮ ફૂટ પહોળા 'સેન્ડવિચ' કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાચની જાડાઈ ૩૯ મીમી જેટલી છે. એક સમયે એક કાચ પર ૫૦ લોકો ઊભા રહી શકે છે. આખી ગેલેરી સાડા ત્રણ ટન વજનને ટેકો આપી શકે છે. આ ગેલેરીમાંથી એક સમયે ૨૦૦ જેટલા પર્યટકો ચાલી શકે છે.
આ પ્રોજેક્ટ પર કુલ ૮૪ લાખ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખાસ કાચનો ઓર્ડર ગત વર્ષે એપ્રિલમાં અપાયો હતો. આ કાચ સપ્ટેમ્બરમાં ઉપલબ્ધ થયો અને ત્યાર બાદ યુદ્ધના ધોરણે કામ શરૃ કરવામાં આવ્યું અને ફેબ્રુઆરીના અંત સુધીમાં ગેલેરીનું બાંધકામ પૂર્ણ થયું હતું. હાલમાં, આ સ્થળે સુરક્ષા વ્યવસ્થા અને ઇલેક્ટ્રિક લાઇટિંગનું અંતિમ કાર્ય ચાલી રહ્યું છે.
કાચને ઊંચા પર્વત પર લઈ જવાનું ખૂબ જ પડકારજનક કાર્ય હતું. તેથી, આ માટે ફયુનિક્યુલર રોપ-વે અને ત્રણ અલગ અલગ ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાચને બેઝથી ટેરેસ સુધી લઈ જવા માટે રોપ-વેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ પછી તેમને લિફ્ટિંગ ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા અને ઓવરહેડ ક્રેન દ્વારા ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા. એન્જિનિયર હેમંત ચંદ્રકાંત મહાજને માહિતી આપી છે કે, સંસ્થા દ્વારા જ વિકસાવવામાં આવેલી 'સ્પેશિયલ પર્પઝ ૩૬૦ રોટેટિંગ ક્રેન'નો ઉપયોગ આ કાચને યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવા માટે કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ છે, અને આનાથી વિરારમાં પર્યટનને મોટો વેગ મળશે. ખાસ કરીને સૂર્યાસ્ત સમયે, પ્રવાસીઓ આ ગ્લાસ ગેલેરીમાંથી વિરારથી અર્નાળા સુધીના અનંત સમુદ્ર અને ઉત્તનથી સફાલે સુધીના મનોહર લીલા વિસ્તારનો આનંદ માણી શકશે. આધુનિક આકર્ષણો સાથે ધામક પર્યટનનું મિશ્રણ ચોક્કસપણે આ વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરશે. આનાથી સ્થાનિક રોજગાર, વ્યવસાય અને સમગ્ર વિસ્તારના આથક વિકાસને વેગ મળશે, એમ ટુરીઝમ કંપનીના ડિરેક્ટર કિરણ ભોઇરે જણાવ્યું હતું.
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો જીવદાની દેવીના દર્શન કરવા આવે છે. આ ગેલેરી એટલા માટે બનાવવામાં આવી છે કે તેઓ દેવીના દર્શનની સાથે પર્યટનનો આનંદ માણી શકે. આપણને વિદેશમાં આવી ગેલેરીઓ અને કાચના પુલ જોવા મળે છે, પરંતુ દરેક વ્યક્તિ તેમને જોવા માટે વિદેશમાં જઈ શકતું નથી, તેથી અહીં આ પ્રકારની ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીમાં ઊભા રહીને, મનોહર વિસ્તારનો મનમોહક દૃશ્ય જોવા મળે છે. આ ગેલેરીનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે, એમ જીવદાની દેવી મંદિર ટ્રસ્ટ, વિરારના ઉપપ્રમુખ પંકજ ઠાકુરે જણાવ્યું હતું.


