રાજ્યની સ્કૂલોનો સમય સવારે 9થી સાંજે 4નો થઈ શકે
નવી શૈક્ષણિક નીતિ લાગુ થઈ તો સમય બદલાશે
વચ્ચે ૧૦ મિનીટનો નાનો બ્રેક અને ૪૦ મિનિટનો મોટો બ્રેક વિદ્યાર્થીઓને મળશે
મુંબઈ - આવતે મહિને ૧૫ જૂનથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ની સ્કૂલો શરુ થઈ રહી છે. દરમ્યાન સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આગામી શૈક્ષણિક વર્ષથી નવી શૈક્ષણિક નીતિ લાગુ થવાની શક્યતા છે. જો એમ થાય તો સ્કૂલોનું ટાઈમટેબલ પણ બદલાશે, એવું કહેવાઈ રહ્યું છે.
એક અહેવાલ મુજબ, આગામી શૈક્ષણિક વર્ષથી સ્કૂલનો સમય સવારે ૯ થી સાંજે ચાર સુધીનો થશે. આ નવા ટાઈમટેબલ મુજબ રાજ્યની તમામ સ્કૂલો સવારે નવ વાગ્યે શરુ થઈ સાંજે ચાર વાગ્યે છૂટશે.
નવા ટાઈમટેબલ મુજબ, સવારે ૯ વાગ્યે સ્કૂલો શરુ થશે અને ૯.૨૫ સુધી પ્રાર્થના, પ્રતિજ્ઞાા વગેરે પરિપાઠ ચાલશે. ત્યારબાદ ૯.૨૫ વાગ્યે લેક્ચર શરુ થશે અને આશરે ૧૧.૨૫ સુધી ત્રણ લેક્ચર્સ ભરાશે. પછી દસ મિનીટની નાની રિસેસ અને ૧૧.૩૫ થી ફરી લેક્ચર્સ શરુ થશે. ૧૨.૫૦ સુધી બે લેક્ચર્સ અને બાદમાં ૪૦ મિનીટની મોટી રિસેસ પડશે. ત્યારબાદ ૧.૩૦ વાગ્યાથી ફરી શાળા ભરાશે અને ૩.૫૫ સુધી લેક્ચર્સ ચાલશે. છેલ્લી પાંચ મિનીટમાં વંદે માતરમ્નું ગાન થશે અને બાદ શાળા છોડવામાં આવશે. જોકે આવું ટાઈમટેબલ લાગુ થઈ શકે તેવી હાલ માત્ર ચર્ચા છે, તેનો કોઈ નક્કર નિર્ણય હજી સામે આવ્યો નથી.