રાજ્યના સરકારી કર્મચારી તેમજ શિક્ષકો 14મીથી બેમુદ્દત હડતાળ પર જશે
સરકારના માગણીઓ તરફ આંખ આડા કાન
નવી પેન્શન યોજના રદ્દ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત અનેક માગણીઓ સંતોષાઈ ન હોવાથી કર્મચારીઓ નારાજ
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યના સરકારી, નિમ્ન સરકારી કર્મચારી અને શિક્ષક, શિક્ષકેત્તર કર્મચારીઓને જૂની પેન્શન યોજના તુરંત લાગુ કરવામાં આવે તે સહિતની અન્ય માગણીઓ માટે ૧૪ માર્ચથી ઉક્ત કર્મચારીઓ બેમુદ્દત હડતાળ પર જવાના છે. આ સંબંધિત નોટિસ મંત્રાલય સહિત પ્રત્યેક જિલ્લાધિકારીઓને આપવામાં આવી હોવાની માહિતી રાજ્ય સરકારી કર્મચારી મધ્યવર્તી સંગઠનના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થઈ છે.
સરકારી નોકરીમાં ૨૦૦૫થી લાગેલાં કર્મચારીઓ માટે રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના રદ્દ કરી નવી પેન્શન યોજના લાગુ કરી છે. નવી પેન્શન યોજના રદ્દ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી રાજ્યભરના સરકારી કર્મચારી, શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારી કરી રહ્યાં છે. સરકારે અત્યાર સુધી કોઈ પગલું ઉંચક્યું નથી. આથી બેમુદ્દત હડતાળ અટળ છે, એવું અધિકારીઓનું કહેવું છે.
નવમી ફેબુ્રઆરીના રોજ મુંબઈમાં સરકારી, નિમ્ન સરકારી, શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારી સમન્વય સમિતીની તેમજ ૧૨ ફેબુ્રઆરીના રોજ નાસિકમાં રાજ્ય સરકારી કર્મચારી મધ્યવર્તી સંગઠનની રાજ્ય કાર્યકારિણી બેઠક થઈ હતી. આ બંને બેઠકોમાં ૧૪ માર્ચથી બેમુદ્દત હડતાળ પર ઊતરવાનો નિર્ણય એકમતે મંજૂર થયો છે.
નવી પેન્શન યોજના રદ્દ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવી, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને લધુત્તમ વેતનમાં સરકારી કર્મચારી સમકક્ષતા લાવવી, તમામ ખાલી પદ તુરંત ભરવા તેમજ નિવૃત્તિની વય ૬૦ વર્ષની કરવી, જેવી અનેક માગણીઓ રાજ્યના સરકારી કર્મચારી તથા શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારીઓની છે.