વિરાર આગળના પ્રવાસીની વ્હારે એસટી, રો-રો સેવા મોડી રાત સુધી લંબાવાઈ

અવોરહેડ વાયર તૂટી જતાં આખી રાત પ્રવાસીઓની હોરાનગતિ
પાલઘર, સફાલે, કેળવે સ્ટેશન પર અનેક એક્સપ્રેસ ટ્રેનોમાં કલાકો પડયા રહેવું પડયુંઃ
મુંબઈ - પાલઘર સ્ટેશને ઓવરહેડ વાયર ખામી સર્જાતા મુંબઈ-ગુજરાત રૃટ પરની અનેક એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત થતાં લગભગ આખી રાત હેરાનગતિનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીનેે વિરારથી સફાલે આવતા પ્રવાસીઓના ભારે હાલ થયા હતા. પ્રવાસીઓ માટે મોડી રાત સુધી રો-રો દ્વારા અને પાલઘર અને દહાણુ માટે એસટી દ્વારા મુસાફરી કરી શક્યા હતા, તેથી મુસાફરો વૈકલ્પિક સેવાઓનો ઉપયોગ કરીને મોડી રાત્રે ઘરે પહોંચી શક્યા હતા. તેમ જ અનેક એક્સપ્રેસ સહિત કચ્છ એક્સપ્રેસમાં ફસાયેલા પ્રવાસીઓને અનેક વ્યથા સામે આવી હતી.
મુંબઈથી અજમેર જતી અજમેર એક્સપ્રેસ પાલઘર રેલવે સ્ટેશનથી પસાર થઈ રહી હતી ત્યારે વિદ્યુત વ્યવસ્થામાં ખામી સર્જાઈ હતી અને સાંજે લગભગ ૬.૪૫ વાગ્યે ટ્રેન પર વીજળીનો તાર પડી ગયો હતો. અજમેર એક્સપ્રેસ પાલઘર રેલવે સ્ટેશનથી નીકળી રહી હતી ત્યારે વિદ્યુત વ્યવસ્થામાં ખામી સર્જાતા વેસ્ટર્ન રેલવેનો ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સાંજના ધસારાના સમયે મુંબઈથી ગુજરાત અને ગુજરાતથી મુંબઈની ઘણી ઝડપી અને ઉપનગરીય અનેક સેવાઓ રદ કરવામાં આવી હોવાથી પ્રવાસીઓના ખરા હાલ થયા હતા.
આ ઘટના સાંજે ઓફિસ છૂટયા પછી પીકા આવર્સમાં બની હોવાથી મોટી સંખ્યામાં મુસાફરોએ હાલાકીનો ભોગ બનવો પડયો હતો. પ્રવાસીઓ વિરાર અને દહાણુ સ્ટેશન પર અટવાઈ ગયા હતા. અકસ્માત દરમિયાન કેટલીક ટ્રેનો જ્યાં ઉભી હતી ત્યાં જ ઊભી હતી. આ કારણે સ્ટેશન પર ભારે ભીડ જામી હતી. મોડું થઈ રહ્યું હોવાથી, ઘણા મુસાફરોએ વધુ પૈસા ચૂકવીને ખાનગી વાહનોનો ઉપયોગ કર્યો હતો.
વિરારથી સફાલે આવવા માટે રો-રો સેવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પ્રવાસીઓ ઘરે પહોંચી શકે એટલે રો-રો સેવા મોડે સુધી ચાલુ રાખવામાં આવી હતી. તેમ જ એસ.ટી વહીવટીતંત્રે સફાલે રેલવે સ્ટેશનથી જલસર રો-રો જેટી સુધી બસ સેવા પૂરી પાડી હતી. મુસાફરોની સુવિધા માટે, રાત્રે ૧૦ વાગ્યે બંધ કરાયેલી ફરી રો-રો સેવા મઘ્યરાત્રિ સુધી ચાલુ રાખવામાં આવી હતી. તેથી, વિરારથી સફાલે અને સફાલેથી વિરાર જતા મોટાભાગના નાગરિકો રો-રો જેટીનો ઉપયોગ કર્યો હતો. રાત્રે લગભગ ૧૦ઃ૪૫ વાગ્યાની આસપાસ, પાલઘર રેલવે સ્ટેશન નજીક ઓવર હેડ વાયર તુટી જવાને કારણે અટવાયેલી બાંદરા-અજમેર ટ્રેનને આગળ લઈ જવામાં આવી હતી અને ત્યાર બાદ સમારકામનું કામ ઝડપી બનાવવામાં આવ્યું હતું. મઘ્યરાત્રિ પહેલા, વેસ્ટર્ન રેલવેની લાંબા અંતરની સેવા અને દહાણુ રોડ સુધીની ઉપનગરીય સેવા આંશિક રીતે શરૃ કરવામાં આવી હતી.
ટ્રેનોમાં ફસાઈ જવાને કારણે મુસાફરોની દુર્દશા.. ધસારાના સમયે ટ્રેનોમાં ભારે ભીડ, અડધી રસ્તે રોકાયેલી ટ્રેનો અને ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત થવાના કોઈ સંકેત ન મળવાને કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી. વહીવટીતંત્રે સ્થાનિક સ્તરે સુવિધાઓ પૂરી પાડી હોવા છતાં તેમ જ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામને કારણે મુંબઈ જતા અને આવતા મુસાફરો અટવાઈ ગયા હતા.
મોડી રાત સુધી ટ્રેનો રદ..
વીજળી વ્યવસ્થામાં ખામીને કારણે સાંજે ૬ઃ૪૫ વાગ્યા બાદ ઘણી લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી હતી. દરમિયાન, દહાણુથી વિરાર આવતી અને વિરારથી દહાણુ જતી ઉપનગરીય ટ્રેનો પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. સવારથી કેટલીક ટ્રેનો પણ આંશિક રીતે બંધ કરવામાં આવી છે.
રાજ્ય પરિવહનની ૨૮ વધારાની બસો..
ટ્રેન સેવાઓ ખોરવાઈ જવાને કારણે, મુસાફરો પાલઘર, સફાળે, વિરાર, બોઈસર રેલવે સ્ટેશનો પર ફસાયા હતા. રાજ્ય પરિવહન મંડળે તેમના માટે ૨૮ વધારાની બસો છોડી હતી. આમાં, પાલઘર રેલવે સ્ટેશનથી બોઇસર અને દહાણુ માટે ૧૦ બસો, સાફલે રેલવે સ્ટેશનથી પાલઘર અને દતવારી જેટી માટે પાંચ બસો, વિરાર રેલ્વે સ્ટેશનથી બોઇસર અને પાલઘર માટે ૮ બસો અને બોઇસર રેલ્વે સ્ટેશનથી પાલઘર અને દહાણુ માટેપાંચ બસો રવાના કરવામાં આવી હતી.
કચ્છ એક્સપ્રેસના પ્રવાસીઓ સાડા છ કલાક અટવાઈ રહ્યા
આ વિશે માહિતી આપતાં કચ્છ એક્સપ્રેસમાં પ્રવાસ કરતા માંટુંગાના રહેવાસી અને કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શાહે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે 'કચ્છ એક્સપ્રેસમાં માટુંગાના અન્ય ૨૫ જણાના ગ્રુપ સાથે અમે ભુજમાં એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. શુક્રવારે સાંજે પોણા છ વાગે બાંદરા થી અમે ૨૨૯૫૫ કચ્છ એક્સપ્રેસ પકડી હતી. આ ટ્રેન બીજા દિવસે સવારે ૮ઃ૩૦ વાગ્યે ભુજ પહોંચાડે છે પરંતુ અમે બીજા દિવસે બપોરે બે વાગ્યાની આસપાસ ભુજ પહોંચ્યા હતા. લગભગ સાડા છ કલાકની આસપાસ અમે કેળવે રોડ સ્ટેશન પર ટ્રેનમાં અટવાઈ રહ્યા હતા. કેળવે રોડ સ્ટેશન પર ટ્રેન રોકાય ત્યારે પ્લેટફોર્મ પર એવું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યુ હતું કે ૪૫ મિનિટ ટ્રેન મોડી છે. જોકે આ બાદ કોઈ જ પ્રકારનો આનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું ન હતું અને અન્ય કોઈ સુવિધા અમને મળી ન હતી. તેમજ ત્યાં કોઈ કેન્ટીન પણ હતી નહીં અને યોગ્ય ટોયલેટ પણ ન હતા. અમે પ્રવાસીઓ ભારે હેરાન થઈ ગયા હતા અને સિનિયર સિટીઝનો અને નાના બાળકો તો રજળી પડયા હતા.'









