ઓનલાઈન ટિકિટ લેવાનું વધતું વલણ
ગત વર્ષના છેલ્લા ચાર મહિનામાં એપ દ્વારા ૨૪ લાખ ટિકિટો વેચાઈ
મુંબઇ - કાયમ આર્થિક કટોકટીનો સામનો કરતા મહારાષ્ટ્ર એસટી તંત્રને મોબાઇલ એપથી બસની ટિકિટના વેચાણમાંથી ૧૧૬ કરોડ રૃપિયાની ઘીંગી આવક થઇ છે.
મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને બસના પ્રવાસીઓની સગવડ માટે શરૃ કરેલી મોબાઇલ એપને જબ્બર પ્રતિસાદ મળ્યો છે. ૨૦૨૫માં સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમ્યાન એપના માધ્યમથી ૨૪.૪૮ લાખથી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું. આમાંથી એસટીને ૧૧૬.૩૫ કરોડની આવક થઇ હતી.
એસ.ટી.ના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે એપના માધ્યમથી ટિકિટ ખરીદવાથી સમયની બચત થતી હોવાથી તેમ જ ડિજિટલ વ્યવહારમાં પારદર્શકતા જળવાતી હોવાથી લોકો વધુને વધુ ડિજિટલ માધ્યમથી ટિકિટ ખરીદવા માંડયા છે.
એસ.ટી. કોર્પોરેશન તરફથી ટિકિટ વિન્ડો, અધિકૃત એજન્ટો ઉપરાંત ઓનલાઇન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. એપ દ્વારા ટિકિટ બુકિંગ શરૃઆત કરવામાં આવતાની સાથે જ સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમ્યાન બસની ટિકિટના વેચાણમાં એકધારો વધારો નોંધાયો હતો.


