ગોવા હાઈવે પર એસટીને અકસ્માત, એકનું મોતઃ 28 ઘાયલ
Updated: Sep 17th, 2023
- વહેલી પરોઢે કન્ટેનરે ટક્કર મારી
- ડોમ્બિવલીના રહીશનું મોત, તેના અન્ય પરિવારજનોનને ગંભીર ઈજાઓ
મુંબઈ : મુંબઈ- ગોવા હાઈવે પર માણગાવમાં આજે વહેલી સવારે એસ.ટી.ની એક બસ એક કન્ટેનર સાથે ભટકાતા બસમાં પ્રવાસ કરી રહેલ એક પુરુષનું મોત થયું હતું જ્યારે મૃતકની પત્ની અને પુત્ર મળી કુલ ૨૮ જણને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં મૃતકની પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ થતા તેમની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મુંબઈથી રાજાપુર જતી એસ.ટી.ની આ બસ આજે વહેલી સવારે ૪.૩૦ વાગ્યાની આસપાસ માણગાવ- રેપોલી પાસે આગળ જઈ રહેલ કન્ટેનર સાથે ભટકાઈ હતી. આ ઘટનામાં એસ.ટી.માં પ્રવેશ કરી રહેલાં ડોંમ્બિવલીના રહેવાસી વિનોદ તારલે (૩૮)નું મોત થયું હતું જ્યારે ૨૮ જણ ઈજા પામ્યા હતા.
તરલેની પત્ની વૈશ્ણવી અને ૧૫ વર્ષીય પુત્ર અર્થવને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત ૨૮ જણમાં નવ મહિલા, ત્રણ છોકરીઓ અને પાંચ છોકરાઓનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને તરત જ માણગાવની ઉપજિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય પ્રવાસીઓને એસ.ટી.ની અન્ય બસમાં ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવ્યો હતો. ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખી મુંબઈથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોંકણ જતા હોઈ અન્ય વાહનોમાં પ્રવાસ કરતા લોકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા.