વનવિભાગે ગાઈડલાઈન જાહેર કરી
પરફ્યુમની સુવાસ થી આકર્ષાતી મધમાખીઓ દ્વારા પર્યટકો પર હુમલાના અનેક બનાવ
મુંબઇ - મહારાષ્ટ્રની અજંતાની ગુફાઓ ખાતે મધમાખીઓના હુમલાના બનાવો વધતાં વનવિભાગે પર્યટકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. પર્યટકોને તીવ્ર સુગંધિત પરફ્યુમ કે અત્તરનો ઉપયોગ ન કરવા અને ઊંચા અવાજો ન કરવાની સલાહ અપાઈ છે. અધિકારીઓના જણાવ્યાનુસાર, આવી બાબતો મધમાખીઓને આકર્ષે અથવા તો ઉશ્કેરે છે, જેના કારણે હુમલાનો ખતરો વધી શકે છે.
આ સૂચના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં આવેલ ગુફા પરિસરમાં તાજેતરમાં થયેલા મધમાખીઓના હુમલા બાદ આપવામાં આવી છે. ગુફા નં.૧ થી ૨૬ સુધીના સર્વેક્ષણ દરમ્યાન મધમાખીના ત્રણ સક્રિય મધપૂડા મળ્યા. એક ગુફા નં.૨૬ પાસે અને અન્ય બે ગુફા નં.૧૦ નજીક છે. જે પર્યટકોની સલામતી માટે ચિંતાજનક માનવામાં આવે છે.
આગામી સમયમાં આવા કિસ્સા બનતાં અટકાવવા માટે જાગૃતિના ભાગરુપે આ સૂચના દર્શાવતાં બેનરો પણ અહીં લગાડાશે. વનવિભાગે એએસઆઈને પણ મધપૂડાઓનું નિયંત્રણ અને સુરક્ષિત સ્થળાંતર કરવા પગલાં લેવાની વિનંતી કરી છે. જેથી પર્યટકોને સુરક્ષા મળી રહે અને પર્યાવરણનું પણ સંતુલન જાળવી શકાય.


