સુશાંત સંબંધિત ડ્રગ કેસમાં રિયાને રાહત
એનસીબીએ ખાતાં સ્થગિત કરતી વખતે યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન નહિ કર્યાંનું અદાલતનું તારણ
મુંબઈ - મુંબઈની એક ખાસ કોર્ટે ડ્રગ્સ કેસમાં આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈના બેંંક ખાતાઓ ડિફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે એનસીબી એનડીપીએસ એક્ટ હેઠળ પ્રક્રિયાગત આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે.અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સ સંબંધિત કેસની તપાસના ભાગ રૃપે નાર્કોેટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ બંનેના ખાતા ફ્રીઝ કરી દીધા હતા.
વકીલ દ્વારા રજૂ કરાયેલા રિયા અને તેના ભાઈ શોવિકે દલીલ કરી હતી કે એનસીબી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, ૧૯૮૫ ની કલમ ૬૮(એફ) (મિલકત જપ્ત કરવા અથવા ફ્રીઝ કરવા માટે) હેઠળ ફરજિયાત પ્રક્રિયાગત આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે.
ફરિયાદ પક્ષે અરજીનો વિરોધ કર્યો હતો, રિયાનાં કથિત નિવેદનોને પુરાવા તરીકે ટાંકીને કહ્યું કે તે ડ્રગ્સ સિન્ડિકેટના સક્રિય સભ્ય હતી અને પેડલર્સ સાથે સંપર્કમાં હતી. તેમણે કહ્યું કે એકાઉન્ટ ફ્રીઝ કરવું એ તપાસ અધિકારી દ્વારા જરૃરી કાર્યવાહી હતી.
જોકે, બચાવ પક્ષનો વાજબી હોવાનું ઠેરવતાં ખાસ એનડીપીએસ કોર્ટના ન્યાયાધીશ યુસી દેશમુખે શનિવારે નોંધ્યું હતું કે એનડીપીએસ કાયદાની કલમ ૬૮એફ(૨) હેઠળ, મિલકત સ્થગિત કરવા અથવા જપ્ત કરવાના કોઈપણ આદેશની પુષ્ટિ ૩૦ દિવસની અંદર સક્ષમ અધિકારી દ્વારા થવી જોઈએ. જો આવી કોઈ પુષ્ટિ ન થાય, તો ઓર્ડર કાયદેસર રીતે અમાન્ય બની જાય છે.
કોર્ટે ધ્યાન દોર્યું કે, પ્રતિવાદી પક્ષ(એનસીબી) એ વાતનો ઇનકાર કરતો નથી કે ફરજિયાત જોગવાઈનું કોઈ પાલન થયુંં નથી. તેથી, હાઈકોર્ટના ચુકાદા અને એનડીપીએસ એક્ટની કલમ ૬૮એફ ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને, અરજી મંજૂર કરવાને પાત્ર છે, એમ તેમાં જણાવાયું છે.
ત્યારબાદ ખાસ કોર્ટે બેંક ખાતાઓને તાત્કાલિક ડિફ્રીઝ કરવાનો નિર્દેશ આપ્યો અને બંનેને આરબીઆઈના નિયમો અનુસાર તેનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ એનસીબી બોલિવૂડ અને ટેલિવિઝન ઉદ્યોગમાં કથિત ડ્રગ્સના ઉપયોગની તપાસ કરી રહી છે. ૩૪ વર્ષીય અભિનેતા સુશાંત સિંહ ૧૪ જૂન, ૨૦૨૦ ના રોજ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા તેમના એપાર્ટમેન્ટમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.


