ઘણાં સુરાલયમાં તો ઘણાં દેવાલયમાં
સિદ્ધિવિનાયક, મહાલક્ષ્મી અને મુંબાદેવીમાં દર વખતની જેમ ભારે ધસારાની ધારણા
મુંબઇ - નવ વર્ષને વધાવવા માટે ઘણાં લોકો પાર્ટીઓ અને કોકટેલ પાર્ટીઓ યોજી છાકટાં બને છે. જ્યારે બીજી તરફ શ્રદ્ધાળુઓ નવા વર્ષના પહેલાં દિવસની શરૃઆત દેવદર્શનથી કરે છે. એટલે જ ભક્તોની ભીડને પહોંચી વળવા માટે મુંબઇના મહાલક્ષ્મી, મુંબાદેવી અને સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રભાદેવી સિદ્ધિવિનાયક મંદિરમાં પહેલી જાન્યુઆરીએ મળસ્કે ૩.૧૫ કલાકે દર્શનની શરૃઆત થઇ જશે અને સવારે ૫.૩૦ થી ૬ દરમ્યાન આરતી થશે. ત્યાર બાદ ૬ થી બપોરે ૧૨ સુધી દર્શનનો સમય રહેશે અને ૧૨ થી ૧૨.૩૦ નૈવેદ ધરવામાં આવશે. ત્યાર પછી બપોરે ૧૨.૩૦ થી સાંજે ૭ સુધી દર્શન ચાલુ રહેશે. સાંજે ૭ થી ૮ ધૂપ આરતી અને આરતી પછી મોડી રાત્રે ૧૧.૩૦ સુધી દર્શન ચાલું રહેશે.
સિદ્ધિવિનાયકમાં પૂજા માટે, મહિલાઓ માટે, વરિષ્ઠો અને દિવ્યાંગો માટે સગર્ભાઓ માટે તેમ જ મુળદર્શન માટે જુદી જુદી લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડના નિયમન માટે અતિરિક્ત સુરક્ષા રક્ષકો તૈનાત કરવામાં આવશે. અને બહારની તરફ પોલીસો બંદોબસ્ત જાળવશે. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
નવ વર્ષ નિમિત્તે મહાલક્ષ્મી મંદિરમાં તેમ જ દક્ષિણ મુંબઇના મુંબાદેવી મંદિરમાં પણ ભક્તોનો ભારે ધસારો થતો હોય છે. એટલે આ મંદિરોમાં પણ વ્યવસ્થા જાળવવા માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત સુરક્ષા માટે પણ પગલા લેવામાં આવ્યા છે.
બીજી તરફ શિર્ડીમાં સાઇબાબાનું મંદિર ૩૧મી ડિસેમ્બરની રાતથી સવાર સુધી ખુલ્લુ રાખવામાં આવશે.


