Mumbai

માવઠાંથી સોયાબીન, કપાસ, તુવેર, ડુંગળી, મકાઇનો સોથ વળી ગયો

By GS TEAM
31 Oct 20252 mins read
માવઠાંથી સોયાબીન, કપાસ, તુવેર, ડુંગળી, મકાઇનો સોથ વળી ગયો

મહારાષ્ટ્રમાં પાછલાં સપ્તાહના વરસાદથી ખેડૂતો બેહાલ

 જળગાંવ,ધુળે, નાશિક, લાતુર, જાલનાના ખેતરો જળબંબાકારઃ તુવેરનો પાક ૪૦ ટકા ઘટી શકે 

મુંબઇ -   ૨૦૨૫ની વર્ષા ઋતુની વિદાય બાદ  હવામાનમાં થઇ રહેલા અકળ અને ભારે તોફાની ફેરફારથી મહારાષ્ટ્રમાં  ખેતીના પાકને ભારે મોટું   નુકસાન થયું હોવાના સમાચાર મળે છે. મહારાષ્ટ્ર સરકારનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે    છેલ્લા લગભગ એકાદ સપ્તાહ કરતાં વધુ  સમયથી મધ્ય મહારાષ્ટ્રના   જળગાંવ,  ધુળે, નાશિક, મરાઠવાડાના લાતુર, જાલના વગેરે જિલ્લામાં   વરસાદ, વીજળીના ચમકારા, તોફાની પવનનું જબરું ત્રેખડ સર્જાયું છે.  આ બધા જિલ્લામાં સોયાબીન, કપાસ,   ડુંગળી, તુવેર, મકાઇ વગેરેના પાકને ગંભીર નુકસાન થયું છે.

ધુળે જિલ્લામાં ૪૪ હજાર હેક્ટરમાં સોયાબીન, કપાસ,તુવેર, મકાઇ  વગેરેનો  પાક  ધોવાઇ ગયો  છે.મુશળધાર વરસાદથી ખેતરોમાં અને વાડીઓમાં પાણી ભરાઇ ગયાં છે. ચારે તરફ કાદવ -કીચડ પથરાઇ ગયાં છે.   મુશળધાર વરસા દ   સાથોસાથ ૪૦ -૫૦ કિલોમીટરની તોફાની ગતિએ ફૂંકાયેલા પવનની પ્રચંડ થપાટથી સોયાબીન, કપાસ,મકાઇ વગેરેનો પાક જમીનમાંથી બહાર આવીને ફેંકાઇ ગયો છે. પાકનો વિપુલ જથ્થો સડી પણ ગયો છે.

નાશિક જિલ્લાના મનમાડ, ચાંદવડ વગેરે ગામમાં પણ ભારે વરસાદ સાથે ગાજવીજનું તોફાન થયું હોવાથી ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે. આટલું જ નહીં, ખેડૂતોના કેવા મુજબ  તો  બેસુમાર વરસાદને કારણે ખેતીના પાકમાં કરવા અને માવા જેવો  રોગ પણ ફેલાઇ ગયો હોવાના સમાચાર મળે છે.  આકાશમાં સતત વાદળિયું વાતાવરણ રહેવાથી  દિવસે પણ રાત જેવો અંધકાર છવાઇ  જતો હતો. પરિણામે  ડુંગળી, કપાસ, સોયાબીન વગેરે પાકને  પૂરતો સૂર્યપ્રકાશ નહીં મળવાથી બધો પાક સડી ગયો છે. 

 સરકારી સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે મરાઠવાડાના લાતુર જિલ્લાના રેણાપુર અને નજીકનાં ગામોમાં પણ  ગાજવીજ સાથે વરસાદના ત્રેખડથી  સોયાબીન  સહિત   બીજા પાકનું મોટાપાયે ધોવાણ થઇ ગયું છે. મુશળધાર  વરસાદ સાથે તોફાની પવન પણ હોવાથી સોયાબીનનો  પાક ખેતરોમાંથી બહાર તણાઇ ગયો  છે.ખેતરોમાં  અને વાડીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઇ ગયાં  છે. પરિણામે  ચારે તરફ કાદવ -કીચડની ગંદકી ફેલાઇ ગઇ છે. 

બીજીબાજુ  મહારાષ્ટ્રના જિલ્લા કૃષિ અધિકારીઓએ એવી માહિતી આપી છે કે ૨૦૨૫ના જૂનથી સપ્ટેમ્બરના નૈઋત્યના ચોમાસામાં બેસુમાર વરસાદ અને નદીઓનાં  તોફાની પૂરને કારણે  રાજ્યમાં તુવેર  પાકમાં ૪૦ ટકાનો મોટો ઘટાડો થવાની ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્ર   તુવેરના  ઉત્પાદનમાં   ભારતનું અગ્રણી રાજ્ય  છે. ૨૦૨૪--૨૫માં ભારતમાં તુરનું  ઉત્પાદન ૩૫.૬૧ લાખ ટન થયું હતું. આમાં મહારાષ્ટ્રનું યોગદાન ૧૩.૨૫ લાખ ટનનું રહ્યું છે. ભારતમાં તુવેરનો પાક  મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, તેલંગણા, આંધ્ર પ્રદેશ એમ આઠ રાજ્યમાં થાય છે.