Get The App

દક્ષિણ મુંબઈના વેપારીએ સ્ટોક ટ્રેડિંગ ફ્રોડમાં 3.43 કરોડ રૃપિયા ગુમાવ્યા

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
દક્ષિણ મુંબઈના વેપારીએ સ્ટોક ટ્રેડિંગ ફ્રોડમાં 3.43 કરોડ રૃપિયા ગુમાવ્યા 1 - image

વ્હોટસ એપ ગૂ્રપમાં એડ કરી રોકાણ કરાવ્યું

44 કરોડ નફો દર્શાવ્યોઃ ઉપાડવા ગયા તો 4 કરોડ રુપિયા ટેક્સ માગ્યો

મુંબઈ -  દક્ષિણ મુંબઈના એક ૫૪ વર્ષીય વેપારી સાથે વોટ્સએપ ગુ્રપ્સ અને નકલી રોકામ એપ દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઇન શેર ટ્રેડિંગ કૌભાંડ હેઠળ ૩.૪૩ કરોડ રૃપિયાનું ફ્રોડ આચરવામાં આવ્યું હતું. 

ફરિયાદી રૃપેશ છોટાલાલ શાહ (૫૪) દક્ષિણ મુંબઈના નેપિયન્સી રોડ પર રહે છે અને છેલ્લા ૧૦ વર્ષથી શેર બજારમાં ટ્રેડિંગ કરે છે અને શેર બજારનું મૂળભૂત જ્ઞાાન ધરાવે છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રોકાણની તકો બાબતે ઓનલાઇન સર્ચ કરતી વખતે તેમને મોબાઇલ નંબર પર એક વોટ્સએપ સંદેશ મળ્યો હતો. જેમાં તેમના વ્યક્તિગત રોકાણની વિગતો મગાવવામાં આવી હતી. ત્યાર બાદ શાહે તેમનું નામ, મોબાઇલ નંબર, રોકાણ ક્ષમતા અને અપેક્ષિત વળતરની માહિતી પૂરી પાડી હતી.

ત્યાર બાદ નિશા મિશ્રા નામ ધરાવતી એક યુવતીએ તેમનો વોટ્સએપ કોલથી સંપર્ક કર્યો હતો. મિશ્રાએ તેમને ઊંચા વળતરની ખાતરી આપી કંપની દ્વારા શેર ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે તેમને સમજાવ્યા હતા, શાહને પછી એક વોટ્સએપ ગુ્રપમાં ઉમેરવામાં આવ્યા હતા. અહીં 'સુબ્રતો ભૌમિક' અને અમુક લોકો ગુ્રપ એડમિન તરીકે કામ કરી ગુ્રપ ચલાવતા હતા. આ ગુ્રપમાં નિયમિતપણે શેરબજારની ટિપ્સ, નફાના સ્ક્રીનશોટ અને રોકાણ અપડેટ્સની વિગતો પોસ્ટ કરવામાં આવતી હતી. ત્યાર બાદ આરોપીને અમુક લિંક શેર કરી એપ ઇન્સ્ટોલ કરવાનું જણાવ્યું હતું. જેના દ્વારા રોકાણનું સંચાલન કરી શકાય.

૧૫  ડિસેમ્બર ૨૦૨૫ અને ૨ ફેબુ્રઆરી ૨૦૨૬ વચ્ચે ફ્રોડસ્ટરોના નિર્દેશ અનુસાર શાહે તેમના ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાંથી ૩.૪૩ કરોડ રૃપિયાની રકમ તેમના દ્વારા પૂરા પાડવામાં આવેલ વિવિધ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી.

ત્રીજી  ફેબુ્રઆરીના રોજ તેમણે નફાનો ભાગ ઉપાડવા માટે વિનંતી કરી ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમણે ૪૪ કરોડ રૃપિયાનો નફો કર્યો છે અને ઉપાડ પહેલા તેમણે ૧૦ ટકા પેટે ચાર કરોડનો ટેક્સ ભરવો પડશે.

છેતરપિંડીની શંકા જતા શાહે તેમના સીએનો સંપર્ક કરતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ સાઉથ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.