કલ્યાણના પાણીપૂરી વેચતા ફેરિયાના દીકરાનો આઈઆઈટી રુરકીમાં પ્રવેશ
ધો.૧૧માં નાપાસ થવા છતાં હિંમત ન હારી
ભાડાની દસ બાય દસની અંધારી રુમમાં ભણીને મહેનત કરી આગળ વધ્યો
મુંબઈ - કલ્યાણના ચિંચપાડામાં ભાડાની દસ બાય દસની રુમમાં રહેતાં અને પાણીપૂરી વેચતા સંતોષ ગુપ્તાના દીકરા હર્ષને ઉત્તરાખંડની રુરકી આઈઆઈટીમાં પસંદગી થઈ છે.
પ્રાપ્ત માહિતીનુસાર, કોરોનામાં લોકડાઉન દરમ્યાન ધો.૧૧ની પરીક્ષામાં હર્ષ નાપાસ થયો હતો. તેની તબિયત પણ સારી રહેતી નહોતી. પરંતુ તેણે ભણવાની હઠ્ઠ મૂકી નહીં. આથી તેણે ફરી ધો.૧૧ની પરીક્ષા આપી અને ધો.૧૨ બાદ જેઈઈ મેન્સમાં ૯૮.૫૯ ટકા માર્ક મેળવ્યા. આથી તેની જેઈઈ એડવાન્સમાં પસંદગી થઈ. પરંતુ તેણે એડમિશન લીધું નહીં. તેને દેશની સર્વોત્તમ કૉલેજમાં પ્રવેશ લેવો હતો. આથી તેણે રાજસ્થાનમાં કોટાથી અભ્યાસ કર્યો અને ઉત્તરાખંડની રુરકી આઈઆઈટીમાં તેની પસંદગી થઈ. તેને સિવિલ સર્વિસેસમાં કારકિર્દી બનાવવી છે.
હર્ષના પિતા હાથગાડીમાં પાણીપૂરી વેચે છે. તેમાંથી જમા થતી રકમમાંથી તેમણે દીકરાના ઉચ્ચશિક્ષણનું સ્વપ્ન સેવ્યું હતું. પાણીપૂરીવાળાનો છોકરો આઈઆઈટીમાં શું એડમિશન લેવાનો? એવું કહી હર્ષને તેના વર્ગના મિત્રો ચીડવતા હતા. પરંતુ તેણે તે તરફ ધ્યાન ન આપતાં આજે એજ વર્ગમિત્રો તેને અભિનંદન પાઠવી રહ્યા છે.
હર્ષને આ સફળતા સુધી લઈ જવામાં તેના શિક્ષકનો પણ ફાળો રહ્યો. તે પોતે પણ ૧૦ થી ૧૨ કલાક ભણતો હતો. કોચિંગ અને સ્વઅધ્યયનથી આગળ વધ્યો. તેની માતા ગામમાં રહે છે. તે અહીં તેના પિતા, દાદી અને ભાઈઓ સાથે એક રુમમાં રહે છે. જ્યાં ચોમાસામાં પાણી પણ ગળે છે અને પૂરતી વિજળીની પણ વ્યવસ્થા નથી. છતાં મહેનત કરી આગળ આવ્યો છે.