પ્રોપર્ટી માટે પુત્રએ જ 6.50 લાખમાં સોપારી આપી પિતાની હત્યા કરાવી

ચારકોપની ફેક્ટરીમાં ઘૂસી માલિકને રહેસી નાખવાની ઘટનામાં પર્દાફાશ
પિતા પ્રોપર્ટીમાં હિસ્સો આપવા માગતા ન હતા, પુત્રએ પોતાના બિઝનેસ પાર્ટનર સાથે કાવતરું રચી ભાડુતી હત્યારાને મોકલ્યો
મુંબઇ - ચારકોપના ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ફેક્ટરી ધરાવતા એક ફેક્ટરી માલિક મોહમ્મદ યુનુસ સૈયદ (૭૦)ની રવિવારે બે અજાણ્યા હુમલાખોરોએ તેમની ફેક્ટરીમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ ગણતરીના કલાકોમાં ચારકોપ પોલીસે સૈયદના નાના પુત્ર હમીદ સૈય્યદ (૪૧) અને તેના બિઝનેસ પાર્ટનર શાનુ ચૌધરી (૪૦) સહિત કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.
પોલીસ અધિકારીઓએ આ બાબતે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે સૈય્યદની હત્યાના આરોપમાં ઝડપાયેલો ત્રીજો વ્યક્તિ કથિત કોન્ટ્રાક્ટ કિલર છે. આ બાબતે સૂત્રોનુસાર મૃતક તેમની પ્રોપર્ટી તેમના નાના પુત્રને આપવા માંગતા નહોતા તેથી આ કથિત હત્યા થઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મૃતક સૈય્યદ રવિવારે સવારે તેમની ફેક્ટરીમાં હતા ત્યારે બે અજાણ્યા વ્યક્તિ તેમને મળવા આવ્યા હતા આ બંને લગભગ એક કલાક સુધી ત્યાં રોકાયા હતા અને તીક્ષ્ણ હથિયારથી સૈય્યદની હત્યા કરી ભાગી છૂટયા હતા. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસને પાણીની ટાંકીમાંથી હત્યા માટે વપરાયેલા શસ્ત્રો મળી આવ્યા હતા. આ ઘટના પાછળ કોઇ જાણભેદુનો હાથ હોવાથી દ્ધઢ શંકા પોલીસને ગયા બાદ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. અંતે પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસ ઉકેલી નાંખી મૃતકના પુત્ર હમીદ તેના બિઝનેસ પાર્ટનર શાનુ ચૌધરી અને એક ભાડૂતી મારાની ધરપકડ કરી હતી. વધુ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે હમીદ અને ચૌધરીએ કથિત રીતે બે કોન્ટ્રાક્ટ કિલરનો સંપર્ક કર્યો હતો અને એક કોન્ટ્રાક્ટ કિલર ઇસ્લામને ૬.૫ લાખ રૃપિયા સૈય્યદની હત્યા માટે ચૂકવ્યા હતા.
પોલીસ સૂત્રોનુસાર હમીદ અને ચૌધરીએ મૃતક સાથે ગ્લાસ ફેક્ટરીમાં મોટી રકમ ઇન્વેસ્ટ કરી હતી. ત્યારબાદ નફાને લઇ વિવાદ ઉભો થતા આ બંનેએ તેમણે રોકેલા પૈસા પાછા માગ્યા હતા. જો કે મૃતકે આ રકમ પાછી આપવાનું નકારી દેતા બંને રોષે ભરાયા હતા. ત્યારબાદ આ બંનેએ મળી સૈય્યદની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું અને બે કોન્ટ્રાક્ટ કિલરને આ કામ સોંપ્યું હતું. આ કેસમાં પોલીસે ત્રણની ધરપકડ કર્યા બાદ ચોથા વ્યક્તિને શોધી કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો છે.









