Mumbai

માતાની ચમત્કારિક સારવારના બહાને પુત્ર સાથે રૃા.3 કરોડની ઠગાઇ

By GS TEAM
27 Sep 20252 mins read
માતાની  ચમત્કારિક સારવારના બહાને પુત્ર સાથે રૃા.3 કરોડની ઠગાઇ

નવી મુંબઈના યુવક પાસેથી ટોળકી છ વર્ષથી પૈસા પડાવતી રહી

વિશેષ શક્તિઓ હોવાનો દાવો કરી પૈસા મેળવ્યાઃ પાછા માગ્યા તો ધાકધમકી આપી

મુંબઇ  - નવી  મુંબઇમાં માતાની બીમારી મટાડવાના બહાને યુવક સાથે રૃા.ત્રણ કરોડની છેતરપિંડી કરવામાં  આવી હતી. છ ઠગની ટોળકી છ વર્ષથી જાળમાં ફસાવી જુદા જુદા કારણો આપી પૈસા પડાવતી હતી.

નેરુળના  રહેવાસી યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ૨૦૧૯ થી ૨૦૨૫ સુધી આ છેતરપિંડી કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યુ ંહતું કે પાલઘર જિલ્લાના સફાળેના રહેવાસી મુસ્તફા શેખ ઉર્ફે કાંબળે, આહત શેખ, સફીના નાનું શેખ, નાનુ શેખ, વસીમ શેખ અને રફીક શેખ આ ગુનામાં સંડોવાયેલા હતા.

આરોપીઓએ કથિત રીતે તેજસને ખાતરી આપી હતી કે તેમની પાસે વિશેષ શક્તિઓ છે. તેમણે તેજસની માતાની બીમારીની સારવાર કરી શકે છે. એવો દાવો કર્યો હતો.

 આ ઠગ ગેંગ પર વિશ્વાસ કરીને ફરિયાદીએ છ વર્ષના સમયગાળા દરમિયાન તેમને કુલ ૩.૧૦ કરોડ આપ્યા હતા. પરંતુ માતાની તબીયત સુધરી ન હોવાનું કહેવાય છે.

છેવટે યુવકે પૈસા પાછા આપવા કહ્યું હતું. તેમણે વારંવાર  માગણી કર્યા પછી આરોપીઓએ રૃા.૧૯ લાખ પરત કર્યા હતા. પરંતુ બાકીના રૃા.૨.૯૧ કરોડ ક્યારેય પાછા  આપ્યા નહોતા. આરોપીઓએ તેજસ અને તેના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેને કોરા સ્ટેમ્પ પેપર પર સહી કરવા માટે પણ દબાણ કર્યું હતું.

આથી કંટાળીને યુવકે પોલીસને બનાવની માહિતી આપી હતી. યુવકની ફરિયાદને આધારે પોલીસે છેતરપિંડી ગુનાહિત ધાકધમકી અને બ્લેક મેજીક સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.