Get The App

અડમિશન કૌભાંડ માટે ઈ ચલણના ડેટા લીક કરનારો જવાન બરતરફ

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
અડમિશન કૌભાંડ માટે ઈ ચલણના ડેટા લીક કરનારો જવાન બરતરફ 1 - image

ટ્રાફિક જવાને વાહનોના ડેટા ગઠિયાને આપ્યા હતા

ટોચની શાળાઓ બહાર આવતાં જતાં વાહનોના માલિકોના ડેટા મેળવી એડમિશનના નામે છેતરપિંડીનું રેકેટ 

મુંબઇ -  મુંબઇની પ્રતિષ્ઠિત સ્કૂલમાં એડમિશન અપાવવાને નામે વાલીઓ પાસેથી પૈસા પડાવવાનું કામ કરતા એક ગઠીયા સાથે સાંઠગાઠ કરી પૈસા માટે તેને વાહન ધારકોની વિગત પૂરી પાડનાર મુંબઇ ટ્રાફિક પોલીસના એક કોન્સ્ટેબલ અમોલ દત્તાત્રય અવઘાડેની પોલીસ દળમાંથી હકાલ પટ્ટી કરવામાં આવી છે.

અવઘાડેએ  આ માટે ગઠીયાને ટ્રાફિક વિભાગની ઇ- ચલણ સિસ્ટમનો દુરુપયોગ કરી ૧૪૩ નાગરિકોની વિગતો પૂરી પાડી હતી જેમા તેમના નામ, સરનામા, ફોન નંબર અને ફોટોગ્રાફ  વગેરેનો સમાવેશ થતો હતો. આ બાબતે અમૂક વાલીઓએ બીકેસી પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ કરતા પોલીસે એફઆઇઆર નોંધી વધુ તપાસ કરતા એડમિશનના રેકેટનો પર્દાફાશ થયો હતો અને કોન્સ્ટેબલની સંડોવણી બહાર આવી હતી.

આ બાબતે પ્રાપ્ત  વધુ વિગતાનુસાર પોલીસે થોડા સમય પહેલા આ રેકેટના મુખ્ય આરોપી મહફૂઝ જકી અહમદ શેખ ઉર્ફે રાજેશ કોટવાનીની ધરપકડ કરી હતી. કોટવાની બીકેસી અને મુંબઇની અમુક પ્રતિષ્ઠિત સ્કૂલમાં બાળકો માટે એડમિશન ઇચ્છુક ધનાઢય લોકો પર નજર રાખતો હતો. આ કાર્યમાં શેખને મદદ કરનાર મુંબઇ ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ અવઘાડેની સંડોવણી પણ બહાર આવી હતી. આ લોકોની કાર્યપદ્ધતિ વિશે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે આરોપી કોટવાની પ્રતિષ્ઠિત સ્કૂલો બહાર એડમિશન મેળવવા ઇચ્છુક વાલીઓના કારના રજિસ્ટ્રેશન નંબરના ફોટા પાડી લેતો હતો. 

 આ ફોટા તે કોન્સ્ટેબલ અવઘોડેને મોકલી આપતો. અવઘોડ ત્યારબાદ ટ્રાફિક વિભાગની ઇ- ચલણ સિસ્ટમનો દુરુપયોગ કરી કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે કારધારકોની સૂપ્રણ વિગત આરોપીને  પૂરી પાજતો. જેના આધારે આરોપી આ લોકોનો સંપર્ક કરી તેમના બાળકોને એડમિશન અપાવવાના નામે મોટી રકમ પડાવવાના પ્રયાસ કરતો હતો. આ રીતે આરોપીએ અમૂક વાલીઓનો સંપર્ક કરી તેમના બાળકોને એડમિશન અપવવાનું વચન આપી મોટી રકમ માગી હતી અને તેના બેંક એકાઉન્ટ નંબર પણ શેર કર્યા હતા. આમાંથી બે વાલીઓને શંકા જતા તેમણે બીકેસી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસ બાદ આરોપી શેખ સુધી પહોંચી ગઇ હતી અને તેની ધરપકડ કરી આ કેસની વિગતવાર પૂછપરછ અને તપાસમાં  કોન્સ્ટેબલ અવઘાડેનું પણ નામ આવતા પોલીસે તેની સામે પણ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ દળના જ કર્મચારીની સંડોવણી આવા કેસમાં બહાર આવતા ઉચ્ચાધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તેને સસ્પેન્ડ કર્યો હતો અને અંતે તેને પોલીસદળમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.