ચર્ચગેટ લોકલમાં ભીડને લીધે ચાલતી ટ્રેનમાંથી પડી જતા જવાનનું મોત

જવાનની એક દિવસ પહેલાં દહિંસર બદલી થયેલી
ભીડને લીધે દરવાજે ઉભેલા જવાનને મલાડ-ગોરેગાંવ સ્ટેશન દરમ્યાન ધક્કો વાગતા નીચે પડી ગયો
મુંબઈ - દહિસર સ્ટેશનથી લોકલ ટ્રેનમાં સવાર થઈને નાયગાંવ જતાં મહારાષ્ટ્ર સુરક્ષા દળના ૩૧ વર્ષીય જવાન ભારે ભીડવાળી વિરાર લોકલમાં ખુલ્લા ફૂટબોર્ડ પર ઉભા રહેતા ડબ્બામાં ભીડને કારણે ધક્કો વાગતા પોતાનું સંતુલન ગુમાવી બેસતમલાડ અને ગોરેગાંવ સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી નીચે પડી જતાં મોત નીપજ્યું હતુ.
પ્રાપ્ત માહિતી મુજબ, મહારાષ્ટ્ર સુરક્ષા દળ (એમએસએફ)ના જવાન ૩૧ વર્ષીય ગણેશ જગદાલેનું આ ઘટનામાં મોત નીપજ્યું હતું. મૃતક જવાન ગણેશ જગદાલે દહિસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.
નાઈટ ડયુટી પૂરી કરીને સવારે ૮.૩૦ વાગ્યે દહિસર સ્ટેશનથી ચર્ચગેટ જતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. હંમેશની જેમ વિરાર ટ્રેનમાં ભારે ભીડને કારણે તેઓ લોકલ ટ્રેનમાં દરવાજા પાસે ઉભો હતો.
જો કે, ભારે ભીડને કારણે ધક્કો વાગતા ગણેશ પોતાનું સંતુલન ગુમાવી બેસતા ચાલતી ટ્રેનમાંથી સીધો નીચે પડી ગયો હતો.
આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, તબીબી તપાસ દરમિયાન ગણેશને માથામાં ગંભીર ઈજા થતાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ રેલવે પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ગણેશની બદલી ગોરેગાંવ પૂર્વના વનરાઈ પોલીસ સ્ટેશનથી એક દિવસ પૂર્વે જ દહિંસર પોલીસ સ્ટેશનમાં થઈ હતી.
આ ઘટનાથી ભરી પીકઅવર્સ દરમિયાન લોકલ ટ્રેનમાં સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.









