જપ્ત જથ્થા અને સોલ્વ કેસોની રીતે મુંબઈ ટોચ પર
મધ્યપૂર્વ અને પૂર્વ એશિયાના દેશોથી મહત્તમ દાણચોરીઃ માસ્ટરમાઈન્ડથી માંડીને ડિલિવરી પર્સન સુધીનું આખું નેટવર્ક
મુંબઇ - ડિરેકટોરેટ ઓફ રેવેન્ય ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ તેના એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવ્યું હતું કે ૨૦૨૪-૨૫માં મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સોનાની દાણચોરીનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. આ સમય દરમિયાન મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો સોનાની દાણચોરીમાં કેન્દ્ર સ્થાને રહ્યા છે. મુંબઇ સહિત ઉક્ત અન્ય શહેરો તેના વ્યૂહાત્મક સ્થાન, ફલાઇટ્સની વધુ સંખ્યા અને પરિવહન માર્ગોને કારણે સોનાની દાણચોરી અને તેના પુનઃ વિતરણ માટે ખૂબ જ અનુકૂળ બની રહ્યા છે ડીઆરઆઇએ ૨૦૨૪-૨૫માં ૧,૦૩૭ કિલો સોનું જપ્ત કર્યું હતું જેની બજારકિંમત ૭૮૫ કરોડ રૃપિયા આંકવામાં આવી છે એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
એજન્સીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઇ એરપોર્ટ સોનાની દાણચોરીના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. જે જપ્ત કરાયેલા સોનાના જથ્થા અને સોલ્વ થયેલા કેસોની સંખ્યામાં ટોચ પર રહ્યું હતું. ડીઆરઆઇના મતે સોનાની દાણચોરી કરનાર સિન્ડિકેટ એક માળખાગત નેટવર્ક દ્વારા કાર્ય કરે છે. વિદેશમાં રહેતા અથવા ભારત સ્થિત માસ્ટર માઇન્ડ આ કામગીરી માટે ભંડોળ પુરું પાડે છે. આયોજકો સોનાની તસ્કરી માટે પ્રથમ કેરિયરની ભરતી કરે છે. કેરિયર છૂપાવવામાં આવેલા સોનાને ભારતમાં લાવવાનું કામ કરે છે. આ સોનું દેશમાં આવ્યા બાદ હેન્ડલર્સ ભારતમાં નેટવર્કના મુખ્ય સભ્યોને વધુ વેચાણ માટે સોનાની ડિલીવરી સુનિશ્ચિત કરે છે.
સોનાની દાણચોરી સામાન્ય રીતે લગડી (બાર) સ્વરૃપે કરવામાં આવે છે જોકે પકડાઇ ન જવાય તે માટે હવે સોનાને મીણમાં છૂપાવી, ગોલ્ડ ડસ્ટના સ્વરૃપમાં કે અન્ય રીતે લાવવામાં આવે છે. સોનાનો આ જથ્થો બેગના પોલાણમાં, શરીરના પોલાણમાં અથવા સોનાને નાની નાની કેપ્સ્યુલ્સમાં છૂપાવીને લાવવામાં આવે છે.
ઘણીવાર કેરિયર આ સોનું એરક્રાફ્ટમાં વિશિષ્ટ સ્થળે અથવા એરપોર્ટના વોશરૃમમાં છૂપાવે છે જે પછીથી ક્રુ મેમ્બર અથવા એરપોર્ટના સ્ટાફની સાંઠગાંઠથી પુનઃ પ્રાપ્ત કરવામાં આવે છે. હવાઇ માર્ગે ખાસ કરીને મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાથી સોનાની મોટા પ્રમાણમાં દાણચોરી થાય છે અને તેમાં મોટાભાગના પુરુષો સંડોવાયેલા હોય છે. ૨૦૨૪-૨૫માં થયેલી સોનાની દાણચોરીના મોટા ભાગના કિસ્સામાં ભારતીય મૂળના નાગરિકોની સંડોવણી જ બહાર આવી છે. જોકે અમૂક કિસ્સામાં વિદેશીઓ અને વિદેશી મહિલાઓની સંડોવણી પણ બહાર આવી છે.


