Mumbai

લોકલ ટ્રેનોમાં સ્થિતિ ભયજનક, કોચમાં દરવાજા બેસાડોઃ હાઈકોર્ટ

By GS TEAM
20 Jun 20253 mins read
લોકલ ટ્રેનોમાં સ્થિતિ ભયજનક, કોચમાં દરવાજા બેસાડોઃ હાઈકોર્ટ

તમે લીધેલાં પગલાં પૂરતાં નથી, મુમ્બ્રા જેવી ઘટનાઓ ન થવી જોઈએ

તમારો પોતાનો ડેટા કહે છે કે રોજના ૧૦ પ્રવાસી  મૃત્યુપામે છેઃ તમે રચેલી કમિટાઓના અહેવાલ આપોઃ હાઈકોર્ટનું આકરું વલણ

મુંબઈ -  મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના રોજેરોજ થતા મૃત્યુની ઘટનાઓ ચોકાવનારી હોવાનું જણાવીને બોમ્બે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રેનમાંથી પ્રવાસીઓને પડી જતા અટકાવવા લોકલ ટ્રેનોમાં ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ બેસાડવાનું સૂચન કર્યું હતું. સાથે જ કોર્ટે   ભારપૂર્વક જણાવ્યું હતું કે આ માત્ર સામાન્ય માણસની દ્રષ્ટીએ અપાયેલી સલાહ છે અને આ માટે રેલવે નિષ્ણાતોનો અભિપ્રાય જરૃરી છે. ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં લટકતા પાંચ પ્રવાસીઓ પડી જવાની ઘટનાના થોડા દિવસોમાં જ કોર્ટે ઉક્ત નિરીક્ષણ કર્યું છે.

મુખ્ય ન્યાયમૂર્તિ આલોક આરાધે અને ન્યા. સંદીપ મારણેની ડિવિઝન બેન્ચે ઓથોરિટીને ભવિષ્યમાં ઉપનગરીય રેલ નેટવર્ક પર કરુણાંતિકા સર્જાય નહીં  તે સુનિશ્ચિત કરવા રેલવે સત્તાવાળોને જણાવ્યું હતું. 

રેલવેએ દાખલ કરેલા સોગંદનામાને ટાંકીને કોર્ટે નોંધ કરી હતી કે  તમારા પોતાના જ ડેટા અનુસાર ૨૦૨૪માં જ વિવિધ કારણોસર ઉપનગરીય રેલવે  નેટવર્કમાં ૩૫૮૮ અકસ્માતો થયા છે.  જેનો અર્થ કે દરરોજ ૧૦ મુંબઈગરા મૃત્યુ પામે છે. અગાઉના વર્ષની સરખામણીએ ૪૯ ટકા મૃત્યુ ઘટયા હોવાની રેલવેએ રજૂઆત કરી હોવા છતાં આ વિગત ચોંકાવનારી છે, હોવાનું કોર્ટે ઉમેર્યું હતું.

શહેરની લાઈફલાઈન ગણાતી ઉપનગરીય રેલવે સેવાના પ્રવાસીઓના મૃત્યુ સબંધી જનહિત અરજીની સુનાવણી ચાલી રહી હતી તેમાં કોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી. 

મુંબ્રા પાસે ટ્રેનમાંથી પડીને ૯ જૂને પાંચ પ્રવાસીઓના થયેલા મૃત્યુની બનેલી ઘટનાની નોંધ લઈને કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે આવી અનિચ્છનીય  ઘટના અટકાવવા રેલવે ઓથોરિટીએ લીધેલા પગલાં પુરતા નથી. કોર્ટે ટ્રેનોમાં ઓટોમેટિક દરવાજા હોવા જોઈએ એવું સૂચન કર્યું હતું. જોકે  કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આ બાબતે કોર્ટ નિષ્ણાત નથી અને રેલવેએ પોતાના નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. 

રેલવેએ કોર્ટને માહિતી આપી હતી કે મુંબ્રાની ઘટનાના કારણની તપાસ કરવા કમિટી રચી છે અને તેના અહેવાલની રાહ જોવાઈ રહી છે. પેનલની ભલામણો અને સૂચનાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રેલવેને નિર્દેશ આપ્યો છે. સાથે જ ભલામણો લાગુ કરવાની ટાઈમ લાઈન પણ જણાવવાની રહેશે. કમિટીએ અરજદારના સૂચનોને પણ સમાવિષ્ટ કરવા જોઈશે, એમ કોર્ટે જણાવ્યું હતું.

શિસ્ત સમિતિ ઉપરાંત અલગથી ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ સમિતિ પણ ગઠીત  કરવામાં આવી છે અને તે અને ઝીરો ડથ મિશન પર કામ કરી રહી છે. સૂચનોને આધારે અનેક પગલાં પહેલેથી લેવાયા છે, એમ રેલવેએ કોર્ટને જણાવ્યું હતું.

રેલવે દ્વારા લેવાયેલાં પગલામં રેલવે ટ્રેક વચ્ચે દીવાલ અને જાળી બાંધી દેવાનો પણ સમાવેશ થાય છે જેથી કરીને પ્રવાસીઓ એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં ક્રોસ કરે નહીં. કેટલાંક પ્લેટફોર્મ પરથઈ સ્ટોલ પણ દૂર કરાયા  છે જેથી ભીડને ટાળી શકાય, એવી માહિતી રેલવેએ આપી હતી. હાઈ કોર્ટે આ અરજી અંગે વધુ  સુનાવણી ૧૪ જુલાઈ પર રાખી છે.