Get The App

હાફૂસ કેરીને જીઆઈ ટેગનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવાના સંકેત

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
હાફૂસ કેરીને જીઆઈ ટેગનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી  પહોંચવાના સંકેત 1 - image

કોર્ટે ભારતીય કિસાન સંઘ (ગાંધીનગર)નો જવાબ માગ્યો 

ગુજરાતની વલસાડની હાફૂસને જીઆઈ ટેગ માટે અરજીનો કોંકણ કૃષિ વિદ્યાપીઠનો વિરોધ

મુંબઈ -  વિશ્વભરમાં  પ્રસિદ્ધ હાફૂસ કેરી હાલ વિવાદમાં છે. કોંકણની હાફૂસ કેરીનો સ્વાદ અને ઓળખ અબાધીત રહે એ માટે ડો. બાળાસાહેબ સાવંત કોકણ કૃષિ વિદ્યાપીઠ, દાપોલી અને કોંકણના આંબા ઉત્પાદક હવે આક્રમક થયા છે. ગુજરાતની વલસાડની હાફૂસને  ભૌગોલિક માનાંકન (જીઆઈ ટેગ) આપવા બાબતે જે અરજી કરવામાં આવી છે, તેને કોકણ કૃષિ વિદ્યાપીઠે વિરોધ કર્યો છે.જો ચુકાદો વિદ્યાપીઠના વિરોધમાં જશે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું એમ વિદ્યાપીઠે જણાવ્યું છે.

ગુજરાતના નવસારી કૃષિ વિદ્યાપીઠ અને ગાંધીનગર ખાતેના ભારતીય કિસાન સંઘે ચેન્નાઈ ખાતેના જીઆઈ રજિસ્ટ્રી પાસે વલડાસ હાફૂસને જીઆઈ ટેગ આપવા અરજી કરી હતી. પરંતુ હાફૂસનું નામ અને સ્વાદનો માત્ર કોકણના જ વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ સાથે સંબંધ છે, એવો દાવો કોકણ કૃષિ વિદ્યાપીઠે અને કોકણ હાફૂસ આંબા ઉત્પાદક અને વિક્રેતા સહકારી સંસ્થા,રત્નાગીરીએ કર્યો હતો.

વલસાડના આંબા નામ આપવાથી ગ્રાહકોની દિશાભુલ થશે તેનું પરિણામ મૂળ કોકણ કાફૂસના બ્રાંડ પર થશે એવી ભિતી વ્યક્ત થઈ રહી છે.

આ વિવાદમાં ૩૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ મુંબઈમાં  મહત્ત્વની સુનાવણી થઈ હતી. એ વખતે કોકણ વતી દલીલ કરાઈ હતી. કોકણના હાફૂસ અને વલસાડના આંબા  વચ્ચે  તાંત્રિક અને વૈજ્ઞાાનિક ફરક પુરાવા સાથે રજૂ કર્યા હતા. એ વખતે જીઆઈ ટેગના નિયમાનુસાર મૂળ ઉત્પાદનનું સંરક્ષણ કેમ જરૃરી છે એ દર્શાવ્યું હતું. કોર્ટે ભારતીય કિસાન સંઘ (ગાંધીનગર)ને તેમની બાજુ રજૂ કરવા એક મહિનાની મુદત આપી છે.

ડો. બાળાસાબેૂ સાવંત કોકણ કૃષિ વિદ્યાપીઠ, દાપોલી એ કોકણ હાફૂસના જીઆઈ ટેગના મુખ્ય નોંધણીકૃત માલિક છે. વિદ્યાપીઠે હાલ જ એક પત્ર જારી કરીને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી  છે. કોંકણના હાફૂસ આંબાને જીઆઈ ટેગ આપવા ૨૦૦૬થી અમે પ્રયત્નશીલ છીએ અને ૨૦૧૮માં કોંકણના પાંચ જિલ્લાને માનાંકન મળ્યું છે. અન્ય કોઈ ભાગના આંબાને હાફૂસ નામ વાપરવા દેવું એ કોકણના ખેડૂતો માટે અન્યાયકારક ઠરશે. જરૃર પડયે અમે સુપ્રીમ કોર્ટમાં જશું, એમ વિદ્યાપીઠે જણાવ્યું હતું.