Mumbai

મહારાષ્ટ્રના પૂરગ્રસ્તો માટે સિધ્ધિવિનાયકનું 10 કરોડનું દાન

By GS TEAM
30 Sep 20251 min read
મહારાષ્ટ્રના પૂરગ્રસ્તો માટે સિધ્ધિવિનાયકનું 10 કરોડનું દાન

સીએમ રાહત કોશમાં રકમ અપાશે

અન્ય મંદિરો તરફથી પણ અતિવૃષ્ટિગ્રસ્તો માટે સહાય જાહેર કરવામાં આવી

મુંબઈ -  મહારાષ્ટ્રના મરાઠવાડા સહિતના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે થયેલી ખાનાખરાબીનો માર સહન કરતા પૂરગ્રસ્તો માટે મુંબઈના સિધ્ધિવિનાયક મંદિર તરફથી ૧૦ કરોડ રૃપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું છે.

આર્થિક રીતે સૌથી શ્રીમંત ગણાતા દેવસ્થાનો પૈકીના એક સિધ્ધિવિનાયક મંદિર તરફથી આ રકમ મુખ્યપ્રધાન સહાયતા નિધિમાં આપવામાં આવશે. આ અગાઉ મુંબઈના લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ તરફથી પૂરગ્રસ્તો માટે ૫૦ લાખનું દાન જાહેર કરવામાં આવ્યું હતું.

મરાઠવાડા અને વિદર્ભ સહિતના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈ સરકારી સ્તરે અપાઈ રહેલી સહાય ઉપરાંત સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક ટ્રસ્ટો તરફથી પણ દાનનો પ્રવાહ શરૃ થઈ ગયો છે. શ્રી વિઠ્ઠલરૃક્મિણી મંદિર ટ્રસ્ટ તરફથી ૧ કરોડ અને શેગાંવના શ્રી ગજાનન મહારાજ સંસ્થાન તરફથી ૧.૧૧ કરોડની સહાય જાહેર કરવામાં આવી છે.