શુભાંશુ શુકલાએ ઇન્ટરનેશન સ્પેસ સ્ટેશનમાં માઇક્રોઅલ્ગી અને મસલ્સ લોસ વિશે પ્રયોગો શરૃ કર્યા

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વૈજ્ઞાાનિક પ્રયોગો કરનારા પહેલા ભારતીય અવકાશયાત્રી
માઇક્રોઅલ્ગી (નદી,સરોવર,સમુદ્રમાં જોવા મળતી સુક્ષ્મ શેવાળ) ગગનયાનના અવકાશયાત્રીઓ માટે પોષણયુક્ત આહાર અને જીવન રક્ષક સુવિધા બની શકે છે. સાથોસાથ તેનો ઉપયોગ ગગનયાનના જરૃરી ઇંધણ તરીકે પણ થઇ શકે છે
મુંબઇ - ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલાએ શનિવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાાનિક પ્રયોગો શરૃ કર્યા છે. આ વૈજ્ઞાાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ(શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી છે.
આઇ.એસ.એસ.માં વૈજ્ઞાાનિક પ્રયોગો શરૃ કરનારા શુભાંશુ શુકલા પહેલા ભારતીય અવકાશયાત્રી છે.
આ માહિતી એક્ઝિઓમ સ્પેસનાં સૂત્રોએ આપી છે.
માઇક્રોઅલ્ગીના પ્રયોગોનાં પરિણામ ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ માટે બહુ ઉપયોગી બની શકે છે.
નાસા -- એક્ઝિઓમ --૪ મિશનમાં ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુકલા સાથે નાસાના અવકાશયાત્રી અને નાસા --એક્ઝિઓમ -૪ મિશનના કમાન્ડર પેગ્ગી વ્હાઇટસન(અમેરિકા), ટાઇબોર કાપુ(હંગેરી), સ્લાવોસ્ઝ ઉઝ્નાન્સ્કી -- વિસ્નેવ્સકી(પોલેન્ડ) આઇ.એસ.એસ.માં ગયા છે. શુભાંશુ શુકલા સાથે નાસાના અવકાશયાત્રી અને નાસા --એક્ઝિઓમ -૪ મિશનના કમાન્ડર પેગ્ગી વ્હાઇટસન(અમેરિકા), ટાઇબોર કાપુ(હંગેરી), સ્લાવોસ્ઝ ઉઝ્નાન્સ્કી -- વિસ્નેવ્સકી(પોલેન્ડ) પણ ગયા છે.
એક્ઝિઓમ સ્પેસનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે અમારા ચારેય અવકાશયાત્રીઓએ તેમની વૈજ્ઞાાનિક પ્રયોગોની સંશોધનાત્મક કામગીરી શરૃ કરી દીધી છે.ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલાને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) દ્વારા સાત પ્રકારનાં વૈજ્ઞાાનિક પરીક્ષણો આપવામાં આવ્યાં છે.
શુભાંશુ શુકલાએ માઇક્રોઅલ્ગી(સ્વચ્છ પાણીમાં અને સમુદ્રમાં જોવા મળતા અતિ સુક્ષ્મ જીવ. શેવાળન નામે ઓળખતા આ જીવ દેખાવમાં જળની વનસ્પતિ જેવો લાગે છે) પર પ્રયોગો શરૃ કરી દીધા છે.માઇક્રોઅલ્ગી પરના વૈજ્ઞાાનિક પરીક્ષણોનાં પરિણામ ભારતના પહેલા ગગનયાન પ્રોજેક્ટ માટે બહુ ઉપયોગી બની શકે છે.ગગનયાન ભારતના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાનો પહેલો પ્રોજેક્ટ છે.
માઇક્રોઅલ્ગી ગગનયાનના અવકાશયાત્રીઓ માટે પોષણયુક્ત આહાર અને જીવન રક્ષક સુવિધા બની શકે છે. સાથોસાથ તેનો ઉપયોગ ગગનયાનના જરૃરી ઇંધણ તરીકે પણ થઇ શકે છે.
અવકાશયાત્રી શુભાંશુ શુકલા તેના પ્રયોગો દરમિયાન માઇક્રોઅલ્ગીના ત્રણ અંશને અંતરિક્ષમાં ઉગાડશે. આ અતિ સુક્ષ્મ જીવ અંતરિક્ષના ગુરુત્વાકર્ષણ બળ વગરની પરિસ્થિતિમાં પણ કઇ રીતે ઉગે છે. સાથોસાથ તેનોવિકાસ પણ કઇ રીતે થાય છે તેનાં પરીક્ષણો કરશે.ઉપરાંત, આ જ અલ્ગી પૃથ્વી પરના વાતાવરણમાં કઇ રીતે ઉગે છે અને વિકસે છે તેની પ્રક્રિયાની સરખામણી અંતરિક્ષના પ્રયોગોનાં પરિણામ સાથે કરશે.
શુભાંશુ શુકલાના માઇક્રોઅલ્ગી પરના પ્રયોગનાં પરિણામ ઇસરોને મોકલવામાં આવશે. ઇસરો આ જ પરિણામોના આધારે ગગનયાનના અવકાશયાત્રીઓ માટેની જીવન રક્ષક સુવિધા, આહાર સહિત ગગનયાનના ઇંધણ વિશે આયોજન તૈયાર કરી શકશે.
ઉપરાંત, શુભાંશુ શુકલાએ અફાટ અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ બળની વગરની પરિસ્થિતિમાં અવકાશયાત્રીઓનાં સાંધાને અને હાડકાંને કેવી --કેટલી અસર થાય છે તેનાં પરીક્ષણો પણ શરૃ કર્યાં છે. આ પરીક્ષણોમાં માનવીના સાંધાની કુદરતી રચના, વિકાસ, માંસપેશીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ જ પરીક્ષણોનાં પરિણામના આધારે ઇસરો ભાવિ સમાનવ ચંદ્રયાન અને સમાનવ મંગળયાનનું આયોજન કરી શકશે. ઉપરાંત, આ જ પરિણામોની મદદથી પૃથ્વી પરનાં માનવીઓના સાંધા અને હાડકાં ચોક્કસ કયાં કયાં પરિબળોને કારણે નબળાં પડી જાય તેની સચોટ માહિતી મળશે. સાથોસાથ તેની સારવાર પણ થઇ શકશે.








