Get The App

શુભાંશુ શુકલા આજે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી વિદ્યાર્થીઓ અને ઇસરોના વિજ્ઞાાનીઓ સાથે રસપ્રદ વાર્તાલાપ કરશે

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
શુભાંશુ શુકલા આજે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી વિદ્યાર્થીઓ અને ઇસરોના વિજ્ઞાાનીઓ સાથે રસપ્રદ વાર્તાલાપ કરશે 1 - image


વાર્તાલાપ ભારતીય સમય મુજબ બપોરે ૩ઃ૪૭ વાગે શરૃ થશે ઃ વિદ્યાર્થીઓના જિજ્ઞાાસાસભર સવાલોના જવાબ પણ આપશે  

બેંગલુરુ/મુંબઇ -    ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલા આવતીકાલે  ૨૦૨૫ની ૪,જુલાઇ,  શુક્રવારે,  ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.) માંથી મૈસુરુની એક્સલ પબ્લિક સ્કૂલનાં વિદ્યાર્થીઓ--વિદ્યાર્થિનીઓ તથા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના વિજ્ઞાાનીઓ સાથે વાર્તાલાપ કરશે. 

શુભાંશુ શુકલાનો વાર્તાલાપ શુક્રવારે , બપોરે ઃ ૩ ઃ ૪૭ વાગે(ભારતીય સમય) રજૂ થશે. 

શુભાંશુ શુકલા  વિદ્યાર્થીઓ અને ઇસરોના વિજ્ઞાાનીઓ સાથે હેમ રેડિયો દ્વારા વાર્તાલાપ કરશે. આ સમગ્ર વ્યવસ્થા  એમેટર રેડિયો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.આર.એસ.એસ.) ના ખાસ કાર્યક્રમના હિસ્સારૃપે થઇ છે.

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલા ૨૦૨૫ની ૨૫,જૂને નાસા -- એક્ઝિઓમ --૪ મિશનના હિસ્સારૃપે આઇ.એસ.એસ.માં ગયા છે. 

ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે આ સમગ્ર વ્યવસ્થામાં અમારા યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર(બેંગલુરુ)નો વિશેષ સહયોગ પણ છે.  અમારા યુ.આર.રાવ સેટેલાઇટ સેન્ટરમાં ટેલિબ્રીજની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શુભાંશુ શુકલાના વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપમાં અમારી ટેલિબ્રીજ ટેકનોલોજીનો ઉપયોગ થશે. 

શુભાંશુ શુકલાના વાર્તાલાપનો મુખ્ય હેતુ ભારતની શાળાનાં વિદ્યાર્થીઓ --વિદ્યાર્થિનીઓમાં અંતરિક્ષ સંશોધન  અને પૃથ્વીથી અફાટ અંતરિક્ષમાં ૪૦૦ કિલોમીટરના અંતરે ગોળ ગોળ ફરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે ટેકનોલોજી વિષયક માહિતી મળે તેવો છે. સાથોસાથ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેમની કારકિર્દી  સાયન્સ, એન્જિનિયરિગ, રોકેટ ટેકનોલોજી વગેરે ક્ષેત્રમાં આગળ વધારે તેવો ઉમદા હેતુ પણ છે. 

વાર્તાલાપ સાથોસાથ શુભાંશુ શુકલા  વિદ્યાર્થીઓ  સાથે   પ્રશ્નોત્તરી પણ કરશે. એટલે  કે વિદ્યાર્થીઓના જિજ્ઞાાસાસભર સવાલોના  જવાબ પણ આપશે.  


Tags :