દિવસભર ધોધમાર વરસાદ સાથે શ્રાવણનું સ્વાગતઃ 3 થી 4 ઈંચની રમઝટ

પાલઘર માટે આજે રેડ એલર્ટ, થાણે-મુંબઈ-રાયગઢ માં ઓરેન્જ એલર્ટ
માર્ગો પર પાણી તથા વિઝિબિલિટી ઘટતાં ટ્રાફિક ધીમો પડયોઃ સાઉથ મુંબઈમાં પ્રમાણમાં ઓછી મેઘમહેર
મુંબઇ - મુંબઈમાં આજે શ્રાવણ માસમાં જુદા જુદા વિસ્તારોમાં સરેરાશ ત્રણથી ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. સમુદ્રમાં હાઈ ટાઈડ વચ્ચે રસ્તાઓ પાણી પાણી બનતાં અને વિઝિબિલિટી ઘટતાં ટ્રાફિકની રફતાર ધીમી પડી હતી. ટ્રેન વ્યવહાર પર પણ અસર પડી હતી. જોકે, આજે ખાસ કરીને વહેલી સવારના કલાકો દરમિયાન મુશળધાર વરસેલા વરસાદને લોકોએ મન ભરીને માણ્યો હતો.
આજે સવારે ૮.૩૦થી આજે ૫.૩૦ વાગ્યા સુધી સાંતાક્રુઝમાં ૭૪.૨ મિ.મિ. (ત્રણ ઇંચ) અને કોલાબામાં ૧૧.૪ ઇંચ (અડધો ઇંચ) વરસાદ નોંધાયો હતો. બીજી તરફ અંધેરીથી પવઈ અને મુલુંડ સુધીના વિસ્તારોમાં ક્યાંક ત્રણ ઈંચ તો ક્યાંક ચાર ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. બાન્દ્રા અને સાયનમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. બીજી તરફ સાઉથ મુંબઈમાં વરસાદ પ્રમાણમાં ઘણો ઓછો રહ્યો હતો. પાલિકાએ નોંધેલા વરસાદના આંકડા મુજબ પૂર્વ ઉપનગરોમાં સરેરાશ ૬૮.૪૨ મિ.મિ. પશ્ચિમ ઉપનગરોમાં ૬૭.૪૩ મિ.મિ અને તળમુંબઇમાં ૧૭.૮૦ મિ.મી. વરસાદ વરસ્યો હતો.
હવામાન ખાતાંએ આવતીકાલે પણ શહેરમાં અવારનવાર ભારે વરસાદના ઝાપટાં ચાલુ રહેશે તથા કલાકના ૪૦થી ૫૦ કિમીની ગતિએ પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. આવતીકાલે થાણે, રાયગઢ તથા મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ અપાયો છે. જોકે, વસઈ વિરાર શહેર સહિતના પાલઘર જિલ્લા માટે રેડ એલર્ટ અપાયો છે.
આજે બપોરે ૧૨.૫૦ કલાકે દરિયામાં મોટી ભરતી હતી. દરિયામાં ૪.૬૦ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. તે વેળા ફલડગેટ બંધ કરાયા હતા. પરંતુ તે સમયમાં ખાસ મૂશળધાર વરસાદ ન હોવાથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ વણસી ન હતી.
મુંબઇ શહેરમાં આજે વરસેલા મૂશળધાર વરસાદમાં ૧૫ ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા. જેમાં પૂર્વ ઉપનગરમાં ૬, તળમુંબઇમાં ૫, અને પશ્ચિમ ઉપનગરમાં ૬નો સમાવેશ થાય છે. જ્યારે શોર્ટ સર્કિટના ૭ ઠેકાણે બનાવ બન્યા હતા. જેમાં તળમુંબઇમાં ૪, પૂર્વ ઉપનગરમાં ૧ અને પશ્ચિમ ઉપનગરમાં બેનો સમાવેશ થાય છે.
આ સિવાય શહેરભરમાં ચાર ઠેકાણે દિવાલ અને ઘર પડવાની ઘટના બની હતી. જેમાં પૂર્વ ઉપનગરમાં ત્રણ અને પશ્ચિમ ઉપનગરમાં એકનો સમાવેશ થાય છે. જો કે આ બનાવમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નથી.









