Get The App

બા.ડઝ ઓફ બોલિવૂડ શો સમીર વાનખેડે સામે પૂર્વગ્રહિત જણાય છેઃ દિલ્હી હાઇકોર્ટનું નિરીક્ષણ

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
બા.ડઝ ઓફ બોલિવૂડ શો સમીર વાનખેડે સામે પૂર્વગ્રહિત  જણાય છેઃ દિલ્હી  હાઇકોર્ટનું નિરીક્ષણ 1 - image


બા.ડઝ ઓફ બોલિવૂડમાં બદનક્ષી કરાઇ હોવાનો સમીર વાનખેડેનો દાવો  

વ્યંગમાં પણ પૂર્વગ્રહની અભિવ્યક્તિ થઇ શકે છે તેવું દિલ્હીની વડી અદાલતનું લાક્ષણિક નિરીક્ષણ  

નેટફલિક્સ પર રજૂ થયેલી આર્યન ખાનની વેબ સિરિઝ બા..ડઝ ઓફ બોલિવૂડમાં તેની પેરોડી કરી તેની બદનામી કરવામાં આવીનું જણાવી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-એનસીબીના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેએ શાહરૃખખાનની કંપની તથા નેટફલિક્સ પર દિલ્હી હાઇકોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો હતો તેની સોમવારે દિલ્હી હાઇકોર્ટમાં શરૃ થયેલી સુનાવણીમાં દિલ્હી હાઇકોર્ટે જણાવ્યુ હતું કે આ શો વ્યંગાત્મક બનાવવાનો ઇરાદો હોવા છતાં તે સમીર વાનખેડે સામે પૂર્વગ્રહિત હોવાનું જણાય છે. 

બા..ડઝ ઓફ બોલિવૂડમાં સમીર વાનખેડે જેવા દેખાતાં પાત્રની હાંસી ઉડાડવામાં આવી છે તે બાબતને મુદ્દો બનાવી સમીર વાનખેડેએ શોમાં પોતાની બદનક્ષી કરાઇ હોવાનો દાવો માંડયો હતો. સિરિઝના નિર્માતાઓએ આ શો વ્યંગાત્મક હોવાનો દાવો કર્યો છે, પણ અદાલતે નોંધ્યું હતું કે વ્યંગ પણ પૂર્વગ્રહની અભિવ્યક્તિ હોઇ શકે છે. આ કિસ્સામાં આર્યન ખાન અને વાનખેડેની હકીકતની આ શો પર અસર જણાય છે. 

શોમાં બતાવવામાં આવેલું પાત્ર મજાક ઉડાવવા માટે પોતાના જેવું દેખાતું હોય તેવું બનાવવામાં આવ્યું હોવાનો દાવો કરી વાનખેડેએ રેડ ચિલિઝ, નેટફલિક્સ અને આર્યનખાન સામે દાવો માંડયો છે. ૨૦૨૧માં વાનખેડેની દેખરેખમાં એનસીબી દ્વારા પાડવામાં આવેલી રેડમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી જો કે, બાદમાં તેની સામેના તમામ આરોપો પડતાં મુકવામાં આવ્યા હતા તેના સંદર્ભમાં આ પાત્રની સિરિઝમાં હાંસી ઉડાડવામાં આવી છે. આ કાલ્પનિક પાત્ર ખોટાં આરોપો મુકી એક્ટરની ધરપકડ કરે છે તેમાં દર્શકોએ નોંધ્યું હતું કે આ કાલ્પનિક પાત્ર સમીર વાનખેડે જેવું લાગે છે. 

રેડ ચિલિઝ વતી એડવોકેટે  આરકે લક્ષ્મણના કાર્ટૂનનો હવાલો આપી જણાવ્યું હતું કે આવતીકાલે કોઇપણ નિર્માતા કે ફોટોગ્રાફર  આવીને દાવો કરી શકે કે આ પાત્ર મારા જેવું દેખાય છે. જો કે અદાલતે જણાવ્યું હતું કે આર્યનખાન અને સમીર વાનખેડેના ભૂતકાળના બનાવોને ધ્યાનમાં લેતાં શોમાં સ્પષ્ટ પૂર્વગ્રહ દેખાઇ આવે છે. વાનખેડેએ તેના જેવા દેખાતા પાત્રને દૂર કરવાની અને પોતાની બદનામી થઇ છે તેનું વળતર આપવાની વિનંતી કરી છે.  


Tags :