Get The App

મુંબઈની માર્કેટોમાં કોંકણી આફૂસની અછત, દક્ષિણની કેરીઓ પર મદાર

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈની માર્કેટોમાં કોંકણી આફૂસની અછત, દક્ષિણની કેરીઓ પર મદાર 1 - image

વાતાવરણનો પલટો અને ખેતીની કેટલીક સમસ્યાઓની અસર

કોંકણી આફૂસ માર્કેટમાં ૩ થી ૯ હજાર પ્રતિ ડઝનના ભાવે ઉપલબ્ધ, જ્યારે દક્ષિણ પ્રજાતિની કેરીના પ્રતિ ડઝને ૧૨૦૦ થી ૧૫૦૦ રુપિયા

મુંબઈ -  મુંબઈની મેંગો માર્કેટમાં સીઝનની શરુઆતમાં જ આફૂસ કેરીના પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કોંકણ વિસ્તાર, ખાસ કરી રત્નાગિરી, દેવગડમાં વાતાવરણના અણધાર્યા પલટાને લીધે તથા ખેતી સંબંધિત અન્ય કારણોસર ઉત્પાદન ઘટયું હોવાથી શહેરની બજારમાં આ પ્રીમિયમ પ્રજાતિની કેરીની આવક ઘટી છે. ગુડી પડવા નિમિત્તે ૧૦ હજાર પેટી આફૂસ પણ એપીએમસીમાં દાખલ થયાનું જાણવા મળ્યું હતું.

આફૂસ કેરીની અછતને પહોંચી વળવા વેપારીઓ હવે કર્ણાટક, કેરણ અને તામિલનાડુ જેવા દક્ષિણ રાજ્યોમાંથી કેરી મગાવી રહ્યા છે. આ કેરીઓ હવે સ્ટૉલ્સમાં મોટાભાગે જોવા મળી રહી છે અને ઘણીવખત તેને આફૂસના નામે પણ વહેંચવામાં આવતી હોવાથી સાચી કોંકણી આફૂસ કેરી કઈ એ બાબતે પણ ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી થાય છે.

પુરવઠા અને માગ વચ્ચેના અસંતુલનને લીધે બજારમાં કિંમતો પર પણ અસર પડી છે. મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી સાચી આફૂસ કેરીઓ પ્રતિ ડઝન ૩ થી ૯ હજાર રુપિયા સુધી મોંઘી છે, જ્યારે દક્ષિણની કેરીઓ તુલનાત્મક રીતે ૧૨૦૦ થી ૧૫૦૦ રુપિયા જેટલી સસ્તી કિંમતે ઉપલબ્ધ છે. વેપારીઓના જણાવ્યાનુસાર, હાલમાં બજારમાં વૈકલ્પિક કેરીઓ જ વધુ જોવા મળે છે.

એપીએમસી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, કેરી માર્કેટમાં પુરવઠામાં વિક્ષેપ જણાતાં કુલ ૧૭૦૦૦ બોક્સમાંથી માત્ર ૬૩૨૫ બોક્સમાં અસલી કોંકણી આફૂસ હતી. જ્યારે અન્ય દક્ષિણ ભારતની કેરીઓ હતી. આ ઉપરાંત અછત પૂરી કરવા દક્ષિણ રાજ્યોમાંથી દરરોજ પ્રત્યેકે ૨૦ કિલોની લગભગ ૫૦૦ થી ૬૦૦ ક્રેટ કેરીઓ મોકલવામાં આવી રહી છે.