મઝગાવમાં શૂટઆઉટ : બાઈક બે બાઈકસવારો ગોળીબાર કરતા એક ઝખમી
Updated: Nov 18th, 2023
હત્યાનો પ્રયાસ બાદ શૂટર નાસી ગયા
મુંબઈ: મઝગાવમાં આજે વહેલી સવારે ગોળીબારની ઘટનાને લીધે ચકચાર જાગી હતી. બાઈક પર આવેલા બે શખસે ફાયરિંગ કરી પલાયન થઈ ગયા હતા. ગોળીબારમાં એક જણને પગમાં ઈજા થઈ હતી. ફાયરિંગનું ચોક્કસ કારણ પ્રાથમિક તપાસમાં જાણી શકાયું નહોતું. પૂર્વવૈમન્સ્ય કે અન્ય ક્યા કારણથી આ ઘટના બની હતી એની તપાસ ચાલી રહી છે.
ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ મામલે ભાયખલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
મઝગાવમાં ચાપસી રોડ પર વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ પીડિત વ્યક્તિ તેના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે બાઈક પર બે શખસ આવ્યા હતા. પછી એક આરોપીએ પિસ્તોલમાંથી ગોળીબાર કર્યો હતો. જેના કારણે ફરિયાદીને પગમાં ઈજા થઈ હતી. ગોળીબાર બંને આરોપી પૂરઝડપે બાઈક પર નાસી ગયા હતા.
થોડા દિવસ પહેલા નવી મુંબઈમાં પૈસાના વિવાદને લીધે ગોળીબાર કરાયો હતો.