રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં બે હજાર પાનાની ચાર્જશીટ તૈયાર
બોલિવુડમાં ધાક જમાવવાનો પણ બિશ્નોઈ ગેંગનો ઈરાદો હતોઃ ખંડણીનો કોઈ એન્ગલ મળ્યો નથી
મુંબઈ - બોલીવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘર બહાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર પાછળ તેના સાથેના સંબંધો સલમાન ખાન કારણભૂત હોવાનો દાવો મુંબઈ પોલીસ કર્યો હતો. રોહિત શેટ્ટીની સલમાન ખાન સાથેની નિકટતા અને ફિલ્મ ઉદ્યોગમાં આતંક ફેલાવવાના આશયથી આ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. મુંબઈ પોલીસે રોહિત શેટ્ટીના જુહુના ઘર બહાર થયેલ ફાયરિંગના કેસની તપાસ પૂર્ણ કરી આ બે હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. જે ટૂંક સમયમાં કોર્ટમાં દાખલ કરવામાં આવશે.
આ બાબતે મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર એનસીપીના નેતા બાબા સિદ્દીકીની સલમાન ખાન સાથેના સંબંધોને કારણે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા અગાઉ તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને રોહિત શેટ્ટીના પ્રકરણમાં ખંડણીનો કોઈ એન્ગલ મળ્યો નથી. તેથી અમારું માનવું છે કે શેટ્ટીને તેના સલમાન સાથેના ગાઢ સંબંધોને કારણે નિશાન બનાવવામાં આવ્યો હતો. આ ગોળીબારની ઘટના પાછશ બોલીવૂડમાં ધાક જમાવવાનો પ્રયાસ પણ હતો.
આ અધિકારીએ આગળ જણાવ્યું હતું કે શેટ્ટી અને ખાન વર્ષોથી સાથે કામ કરી રહ્યા છે. ખાને શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ એગેન' માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત બન્નેએ ખૂબ જ લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી બિગ બાસમાં પણ સાથે કામ કર્યું હતું. શેટ્ટીએ એમ પણ કહ્યું છે કે તેમની સિંઘમ શ્રેણી સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડથી પ્રેરિત હતી અને તેના પાસે ખાન સાથે એક સ્વતંત્ર ફિલ્મ બનાવવાની યોજના હતી.
૧૯૯૮માં જોધપુર પાસે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ત્યાં ગયેલા સલમાને બિશ્નોઈ સમુદાય દ્વારા પવિત્ર ગણવામાં આવતા કાળિયારનો શિકાર કર્યો હતો. ત્યારથી ખાન વિરુદ્ધ બશ્નોઈ સમુદાયને રોષ હતો અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પણ આ સમાજમાંથી આવતો હોવાથી તેણે સલમાનને અનેક વખત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
રોહિત શેટ્ટીના નિવાસસ્થાને થયેલ ગોળીબાર પ્રકરણમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક મુખ્ય પ્રવિણ લોણકર છે જે લોરેનસ વિશ્નોઈના સાથીદાર શુભમ લોણકરનો ભાઈ છે જે હાલ હરાર છે. આ સિવાય અન્ય મુખ્ય ધરપકડમાં દિપક શર્માનો સમાવેશ થાય છે. જેણે શેટ્ટીના ઘર પર પાંચ રાઉન્ડ ફાયર કર્યું હતું.
પોલસે જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈનો અન્ય એક સાથીદાર આરઝ બિશ્નોઈ પણ કાવતરું ઘડવામાં અને તેને અંજામ આપવામાં સામેલ હતો. ગોળીબારની ઘટના પછી શુભમ લોણકર અને આરઝુ બિશ્નોઈએ સોશિયલ મીડિયામાં આ કૃત્યી જવાબદારી સ્વીકારી જણાવ્યું હતું કે અમે તેને ઘણીવાર ચેતવણી આપી હતી પણ તે સમજી શક્યો નહોતો. આ ફક્ત ટ્રાયલ છે. આગામી ગોળી તેની છાતી પર ચલાવવામાં આવશે. તેવું પોસ્ટરમાં જણાવ્યું હતું.


