શીઝાન ખાને ઘરે બનાવેલ ભોજન સાથે કસ્ટડીમાં સુરક્ષાની માગ કરી
- તુનિશા શર્મા આત્મહત્યા પ્રકરણ
- કોર્ટે ખાનને 14 દિવસની અદાલતી કસ્ટડી ફટકારી
મુંબઈ: અભિનેત્રી તુનિશા શર્મા આત્મહત્યા પ્રકરણના શકમંદ એવા કો-સ્ટાર શીઝાન ખાનને આજે કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે તેને 14 દિવસની અદાલતી કસ્ટડી ફટકારી હતી. દરમ્યાન શીઝાન ખાને ઘરે બનાવેલ ભોજન અને કસ્ટડી દરમ્યાન સુરક્ષાની માગ કરી હતી.
આ સાથે જ તેણે વસઈ કોર્ટમાં તેના વકીલ મિશ્રા દ્વારા આપેલ ચાર વિવિધ અરજીમાં કસ્ટડી દરમ્યાન તેના વાળ ન કાપવામાં આવે તેવી પણ માગ કરી હતી. આ સાથે જ શીઝાનને અસ્થમાની તકલીફ હોવાથી અસ્થમા પંપ- ઈનહેલરનો ઉપયોગ કરવા દેવામાં આવે તેવી પણ માગ કરી હતી.
24 ડિસેમ્બરના રોજ અભિનેત્રી તુનિશા શર્મા વસઈના વાલિવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક સ્ટુડિયોમાં ટીવી શો 'અલીબાબા- દાસ્તાને- કાબુલ'ના સેટ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટના બાદ તેના કો-સ્ટાર અને બોયફ્રેન્ડ શીઝાન ખાનની તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.