જવાબદાર જન પ્રતિનિધિ પણ વન્ય પ્રાણી રેસ્ક્યૂની ગાઈડલાઈન ચૂક્યા
વન અધિકારીઓ ડાર્ટ મારે તે પહેલાં બેરહેમીથી લાકડીઓ ફટકારતાં પ્રાણી પ્રેમી સંગઠનોમાં ભારે રોષ ઃ કાયદાકીય પગલાંની માંગ
મુંબઈ - જળગાંવમાં તાજેતરમાં જ રેસ્ક્યૂ વખતે માદા દીપડાને બેરહેમીથી ફટકારવા બદલ શિવસેનાના વિધાનસભ્ય ચંદ્રકાંત પાટીલ સામે પગલાં લેવાની પ્રાણીરક્ષક સંસ્થાઓએ રાજ્ય સરકારને અપીલ કરી છે.
દીપડાની માદાને રીતસર લાઠીથી ફટકારતા પાટીલનો વીડિયો વાઇરલ થયા બાદ પીપલ ફોર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા ઇન્ડિયા), વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ એન્ડ રિહેબ સેન્ટર અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન તરફથી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેને તેમની પાર્ટીના વિધાનસભ્ય સામે પગલાં લેવાનો અનુરોધ કર્યો છે. આ વિવાદ બાબત પાટીલની પ્રતિક્રિયા જાણવા નહોતી મળી. આ સાથે જ પ્રાણીરક્ષક સંસ્થાઓએ ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટને આ ઘટના અંગે તાત્કાલિક પ્રિલીમીનરી ઓફેન્સ રિપોર્ટ (પી.ઓ.આર.) નોંધવા માટેની અરજી કરી છે.
આ ઘટના વિશે મળતી જાણકારી મુજબ મુક્તાઇ નગરના સરકારી ગેસ્ટ હાઉસ પાસે દીપડી ફરતી જોવા મળતા ફોરેસ્ટ ખાતાની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન માટે દોડી આવી હતી. આ ટીમે દીપડાને બેભાન કરવા માટે ડાર્ટ માર્યું હતું. હજી તો દીપડી બેભાન થાય એ પહેલાં એમએલએ ચંદ્રકાંત પાટીલ લાકડી લઇને દીપડીને ફટકારવા માંડયા હતા. ત્યાર પછી ફોરેસ્ટ ટીમે દીપડાની માદાને પકડીને પીંજરામાં પૂરી દીધી હતી.
પીટા- ઇન્ડિયા તરફથી જણાવાયું હતું કે કોઇ પ્રાણી ગભરાયેલું હોય, જખમી હોય કે પછી તેને બેહોશ કરવા માટે ડાર્ટ મારવામાં આવ્યું હોય ત્યારે તેને આ રીતે બેરહેમીથી ફટકારી ન જ શકાય. લોકો પ્રાણીને મારતા હોય અને એ ટોળામાં લોકપ્રતિનિધિ પણ જોડાઇ જાય અને લાકડીથી ફટકારે અને ફોરેસ્ટ ખાતાની બચાવ કામગીરીમાં માથું મારે તેની વિરુદ્ધ તત્કાળ પગલાં લેવા જોઇએ. વિધાનસભ્ય સામે ૧૯૭૨ના ધી વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) એકટ અને બીજા કાયદા હેઠળ પગલાં લેવાનો પીટાએ અનુરોધ કર્યો છે.


