દશેરા અને બાબાની પૂણ્યતિથિ નિમિત્તે શિર્ડી મંદિર આખી રાત ખુલ્લું રહેશે
સાઈનગરીમાં ઉજવણીની જોરદાર તૈયારી
મુંબઈ - દશેરાના તહેવાર અને સાઇબાબાની પૂણ્યતિથિ નિમિત્તે શિર્ડી સાઈબાબાનું મંદિર આખી રાત ખુલ્લું રાખવામાં આવશે. દશેરા પર્વની ધામધૂમથી ઉજવણીની સાઈબાબાએ શરૃઆત કરાવી હતી. ત્યારથી શિર્ડીમાં દશેરાના તહેવારની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. દશેરાને દિવસે જ બાબાનું નિર્વાણ થયું હતું.
સામાન્ય દિવસોની સરખામણીએ બાબાના વાર ગુરુવારે ભક્તોનો વધુ ધસારો રહેતો હોય છે. આ વખતે એવો સંયોગ થયો છે કે ગુરુવારે જ દશેરાનો તહેવાર અને બાબાની પૂણ્યતિથિ આવે છે. એટલે ભક્તોની દર દશેરા કરતાં વધુ ભીડ ઉમટવાની શક્યતા ધ્યાનમાં લઈને સાઈનગર શિર્ડીમાં અત્યારથી જ મોટાપાયે પૂર્વ તેૈયારી થઈ રહી છે. દિવસ રાત ચાલુ રહેનારા પ્રચંડ ધસારાને પહોંચી વળવા માટે પોલીસ તેમ જ સાઇ મંદિર ટ્રસ્ટના સુરક્ષારક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે.
પહેલીથી ચોથી ઓક્ટોબર સુધી ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દશેરા, ગુરુપૂર્ણિમા અને સાઇબાબાની જન્મજયંતી જેવા મહત્ત્વના અવસરે સાઈ સમાધી મંદિર આખી રાત ખુલ્લું રાખવામાં આવે છે, કારણ કે બહારગામથી મોટી સંખ્યામાં ઉમટતા બાબાના ભક્તો કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે, એ સહુને દર્શનનો લાભ મળી શકે માટે આખી રાત દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે.