શિર્ડી સાંઈ મંદિર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં ખળભળાટ
કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મોકવામાં આવ્યો
સાઈ મંદિરને મોટા પાઈપ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવીઃ પોલીસે તપાસ હાથ ધરી
મુંબઈ - મહારાષ્ટ્રના શિર્ડી સ્થિત પ્રખ્યાત સાંઈ સમાધિ મંદિરને આજે પાઈપ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ સંસ્થાને મળી આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. આ ધમકીને કારણે પોલીસ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું હતું અને મંદિર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી.
પહલગામના તાજેતરના થયેલા આતંકવાદી હુમલાને પગલે આ ધમકીને ખાસ ગંભીરતાથી લેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, શિર્ડી સાઈ બાબ મંદિરના સંસ્થાને આજે સવારે આ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ પહેલી વાર નથી જ્યારે સાઈ સંસ્થાને ધમકીઓ મળી હોય અગાઉ પણ અનેક ધમકીભર્યા ઈમલે મળ્યા છે.
પહલગામ બાદ સાઈ મંદિરને મોટા પાઈપ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી આવતા સંસ્થાનના સુરક્ષા અધિકારી રોહિદાસ માલીની ફરિયાદ પર શિર્ડી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. તેથી પોલીસે તપાસ હાથ ધરી હતી કે આ ઈમેલ સાચો છે કે કોઈએ અફવા ફેલાવી રહ્યું છે. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.