કમિટીઓમાં ૨:૧ના રેશિયોથી નિયુક્તિનો આગ્રહ
સ્ટેન્ડિંગ કમિટીનું અધ્યક્ષ પદ પણ માગ્યું , ભાજપને સાફ કહ્યું, અમારા વિના તમારા મેયર શક્ય નથી
રાજકીય વર્તુળોમાં ચર્ચા મુજબ શિંદેએ ભાજપને સાફ સાફ જણાવ્યું છે કે અમારા ટેકા વિના ભાજપના મેયર શક્ય જ નથી. અમે બેઠક સમજૂતીમાં પણ ઘણો ભોગ આપ્યો છે. મહાયુતિ સરકારમાં પણ અમે અનેક મહત્વનાં ખાતાં જતાં કર્યાં છે. નવી મુંબઈ તથા મીરા ભાયંદરમાં ભાજપના કારણે જ અમારે નુકસાન ભોગવવું પડયું છે તે બાબતો લક્ષમાં રાખી ભાજપે બીએમસીમાં સત્તા વહેંચણીમાં સંતુલન સાધવું જોઈએ.
શિંદે સેનાની મુખ્ય શરત એવી હોવાનું કહેવાય છે કે અઢી વર્ષ માટે ભાજપના મેયર અને અઢી વર્ષ માટે શિંદે સેનાના મેયર એવી ફોર્મ્યૂલા તો બરાબર છે પરંતુ તેમાં પણ પહેલાં અઢી વર્ષ એટલે કે હાલ તો શિંદે સેનાને જ મેયરપદ ફાળવવું જોઈએ. પછી બાકીનાં અઢી વર્ષ ભાજપ પોતાના મેયર રાખી શકે છે.
શિંદે સેનાએ તમામ કમિટીઓમાં અધ્યક્ષપદ તથા સભ્યપદમાં પણ ૨ઃ૧ નો રેશિયો માગ્યો છે. એટલે કે ભાજપના બે સભ્ય સામે શિંદે સેનાનો એક સભ્ય હોવો જોઈએ. બે કમિટીનું અધ્યક્ષપદ ભાજપ પાસે હોય તો એક સભ્યપદ શિંદે સેનાને મળવું જોઈએ. શિંદે સેનાનો ખાસ આગ્રહ એ છે કે સ્ટેન્ડિંગ કમિટીનું અધ્યક્ષપદ તો તેને જ મળવું જોઈએ.
પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે હાલ ખુદ એકનાથ શિંદે રાજ્યના શહેરી વિકાસ મંત્રી છે. આથી, મહાપાલિકાઓના પદાધિકારીઓએ શિંદે સાથે જ કામ પાર પાડવાનુ છે. આ સંજોગોમાં મેયર પદ તથા સ્ટેન્ડિંગ સહિતની કમિટીઓમાં શિંદે સેનાના નેતાઓ હશે તો શરુઆતથી જ કામગીરી વધારે સરળ બનશે.


