- NCP-કોંગ્રેસ અમારા કારણે જ સત્તામાં આવ્યા અને પછી શિવસેનાને હરાવી રહ્યા હતાઃ કેસરકર
મુંબઈ, તા. 30 જૂન 2022, ગુરૂવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા જ બુધવારે મોડી રાતે રાજીનામુ આપવાની જાહેરાત કરી ત્યાર બાદ સૌ કોઈની નજર ભાજપ અને બળવાખોર નેતાઓની પ્રતિક્રિયાઓ પર અટકી છે. ત્યારે એકનાથ શિંદેની બંડખોર ટીમ તરફથી સૌથી પહેલી પ્રતિક્રિયા ટીમ શિંદેના પ્રવક્તા દીપક કેસરકરે આપી છે.
કેસરકરે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામુ અમારા માટે કોઈ આનંદની વાત નથી. અમને સૌને દુઃખ છે કે, NCP અને કોંગ્રેસ સામે લડતી વખતે અમારે અમારા લીડરથી પણ નારાજ થવું પડ્યું. તેનું કારણ એનસીપી અને સંજય રાઉત જ છે. તેઓ દરરોજ કેન્દ્ર સરકારની વિરૂદ્ધમાં નિવેદનો આપવાનું અને કેન્દ્ર તથા રાજ્ય વચ્ચે ખરાબ સંબંધો પ્રસ્થાપિત કરવાનું કામ કરતા હતા. આ કારણે સ્થિતિ વણસી હતી અને આખરે આ પગલું ભરવું પડ્યું હતું.
માત્ર ધારાસભ્યો જ નહીં સાંસદો પણ NCP-કોંગ્રેસથી નારાજ
કેસરકરે જણાવ્યું કે, NCP-કોંગ્રેસ અમારા ધારાસભ્યોને હરાવવા પ્રયત્નો કરી રહ્યા હતા જેથી અમારા ધારાસભ્યો ઉપરાંત સાંસદો પણ નારાજ હતા. જેટલા પણ સાંસદો મળ્યા તેમણે NCP ન રહેવી જોઈએ તેમ કહેલું પરંતુ આમ કહેવા છતાં કશું ન કરવામાં આવ્યું. શિવસેનાના ધારાસભ્યો કરતા તેમને પવાર સાહેબ વધુ અંગત લાગવા લાગ્યા હતા જેથી અંતર વધતું ચાલ્યું અને તેનું પરિણામ તમે જોઈ રહ્યા છો.
મુખ્યમંત્રીનું એલાન એકનાથ શિંદે કરશે
કેસરકરે જણાવ્યું કે, તેઓ સૌ પહેલા મુંબઈ જશે અને એકનાથ શિંદેના નેતૃત્વમાં બેઠક યોજાશે. ત્યાં રણનીતિ બનાવીને તેઓ મળશે. તેઓ જેના સાથે સરકાર બનાવવાની છે તે નક્કી કરીને એલાન કરશે. મુખ્યમંત્રી કોણ હશે તેનું એલાન પણ એકનાથ શિંદે કરશે.
આવો પ્રવક્તા કોઈ પાર્ટીને ન મળે
વધુમાં જણાવ્યું કે, અનેક સાંસદો કોંગ્રેસ અને એનસીપીના કારણે નારાજ છે. એનસીપીના મહારાષ્ટ્રના અધ્યક્ષ અમારા ક્ષેત્રમાં જઈને પોતાના લોકોના નામની જાહેરાત કરતા હતા. આ લોકો અમારા કારણે જ સત્તામાં આવ્યા અને પછી શિવસેનાને હરાવી રહ્યા હતા. દરરોજ સાંજે સંજય રાઉત અપશબ્દો કહેતા હતા. લોકો હેરાન થઈ ગયા હતા. અમે પ્રાર્થના કરી હતી કે, આવો પ્રવક્તા કોઈ પાર્ટીને ન મળે.


