Mumbai

શિલ્પા- રાજ ૬૦ કરોડ જમા કરાવે, પછી વિદેશ પ્રવાસની મંજૂરીનું વિચારાશે

By GS TEAM
9 Oct 20253 mins read
શિલ્પા- રાજ ૬૦ કરોડ જમા કરાવે, પછી વિદેશ પ્રવાસની મંજૂરીનું વિચારાશે

60 કરોડના ચિટીંગ કેસમાં શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાને હાઈકોર્ટનો આદેશ

બંને છેતરપિંડીના કેસમાં આરોપી છે, પ્રવાસને મંજૂરી આપી શકે નહીં, બેન્કે વ્યવસાયિક પ્રવાસને લગતા દસ્તાવેજો પણ જોવા માગ્યા

મુંબઇ -  અભિનેત્રી  શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા  પહેલાં ૬૦ કરોડ રુપિયા જમા કરાવે તે પછી જ તેમને વિદેશ પ્રવાસની મંજૂરી આપવી કે નહિ તે અંગે અમે વિચારણા હાથ ધરશું એમ  બોમ્બે હાઇકોર્ટે બુધવારે જણાવ્યું હતું.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા  પર રૃા. ૬૦ કરોડની છેતરપિંડીનો આરોપ છે. મુંબઇના જૂહુ પોલીસ સ્ટેશનમાં ૧૪ ઓગસ્ટના ઉદ્યોગપતિ દીપક કોઠારી (ઉં.વ.૬૦) સાથે લોન-કમ- રોકાણ સોદામાં લગભગ રૃા. ૬૦ કરોડની છેતરપિંડી કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

આ  દંપતીએ ગયા મહિને હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને આ કેસમાં પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ જારી કરાયેલા લુક આઉટ સર્ક્યુલરને સ્થગિત કરવાની માગ કરી હતી. જેના લીધે તેઓ તેમના વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ અને લેઝર ટ્રિપ્સ માટે વિદેશ પ્રવાસ કરી શકે.  કોઠારી દ્વારા દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી એમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ૨૦૧૫થી ૨૦૨૩ દરમિયાન શેટ્ટી અને કુન્દ્રાએ તેમની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ-કમ- લોન દ્વારા રૃા. ૬૦ કરોડની છેતરપિંડી કરી હતી. આ રકમનો ઉપયોગ બંનેએ પોતાના અંગત ફાયદા માટે કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અખંડની બેન્ચે બુધવારે જણાવ્યું હતું કે બંને છેતરપિંડીના કેસમાં આરોપી છે ત્યારે તેઓ તેમના આરામદાયક પ્રવાસની મંજૂરી આપી શકે નહીં.

દંપતીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ફૂકેટનો એક પ્રવાસ જ  ફૂરસદની ક્ષણો ગાળવા માટે હતો. પરંતુ બાકીની ટ્રીપ વ્યવસાયિક કાર્ય માટે હતી દંપતીએ તપાસમાં સહકાર આપ્યો છે. અને પૂછપરછ માટે હાજર થયા છે. ત્યારે હાઇકોર્ટે કહ્યું કે તેમના સહયોગને કારણે જ ધરપકડ કરવામાં આવી નથી.

બેન્ચે શેટ્ટી જે વ્યવસાયિક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા તેના આમંત્રણ કાર્ડ અથવા અન્ય કોઇપણ પ્રકારના સંદેશ વ્યવહારની નકલ પણ માગી હતી. ત્યારબાદ હાઇકોર્ટે કહ્યું કે ૬૦ કરોડ રૃપિયાની સંપૂર્ણ રકમ જમા કરાવ્યા પછી જ તે અરજી પર વિચાર કરશે.  આ મામલાની વધુ સુનાવણી ૧૪ ઓક્ટોબર પર મુલતવી રાખી હતી. દંપતીની અરજીમાં ઓક્ટોબર ૨૦૨૫થી જાન્યુઆરી ૨૦૨૬ સુધી લુક આઉટ સર્ક્યુલર સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે.

મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાની એક ટીમે ચોથી ઓક્ટોબરથી અભિનેત્રીના નિવાસસ્થાને તેનું નિવેદન નોંધ્યું હતું અને ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. તેણે પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે ફડચામાં ગયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડની કામગીરી પર નજર રાખતી નથી. શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા હોમ શોપિંગ અને ઓનલાઇન રિટેલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હતા.

અભિનેત્રીએ પ્રશ્નોના જવાબ આપ્યા અને સહાયક દસ્તાવેજો રજૂ કર્યા હતા. પોલીસ આ દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે.  શેટ્ટીએ કહ્યું કે તે કંપનીના કામકાજ પર નજર રાખતી નથી. તેને પ્લેટફોર્મ (બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ) પર હાજરી આફવા બદલ સેલિબ્રિટી એપિરયન્સ ફી ચૂક વવામાં આવતી હતી.