ફક્ત પુત્ર સાથે વિદેશ જવા દેવા શિલ્પાની માંગઃ રાજ વિરુદ્ધ સાક્ષી બનવા કોર્ટનો કટાક્ષ

60 કરોડના ફ્રોડના કેસમાં શિલ્પાની અરજી
રાજ પોતાની સાથે નહિ આવે તેમ જણાવતાં કોર્ટે કટાક્ષ કર્યોઃ એક યુ ટયુબરને ઈન્ટરવ્યૂ આપવા એલએ જવાનું હોવાની રજૂઆત
મુંબઈ - રુપિયા ૬૦ કરોડના ફ્રોડ કેસમાં લૂક આઉટ નોટિસ રદ કરવાની શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ કરેલી અરજીની સુુનાવણી દરમિયાન શિલ્પા વતી તેને ફક્ત તેના પુત્ર સાથે લોસ એન્જલિસ એક પ્રોફેશનલ એન્ગેજમેન્ટ માટે જવા દેવા પરવાનગી માગવામાં આવી હતી. આ દરમિયાન, કોર્ટ તરફથી એવી ટિપ્પણી કરાઈ હતી કે જો આવું હોય તો ખુદ શિલ્પા પહેલાં રાજ કુન્દ્રા સામે સાક્ષી કેમ બની જતી નથી ?
રૃ. ૬૦ કરોડના ફ્રોડ કેસમાં લુક આઉટ નોટિસ રદ કરવાની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાએ અરજી કરી હતી. શિલ્પા શેટ્ટીએ બિઝનેસ ટ્રીપ માટે વિદેશ જવા કરેલી અરજી પર તેના પરિવારના સભ્યોની વિગતો પર સૂચના મેળવવા સરકારી વકીલને હાઈકોર્ટે સમય આપ્યો છે.
કોર્ટે ૧૬ ઓક્ટોબર પર સુનાવણી રાખી છે. શિલ્પાના વકીલે જણાવ્યું હતું કે તે તેના દીકરાને લઈ વિદેશ જવા માગે છે. રાજ કુન્દ્રા તથા તેની એક દીકરી અહીં જ રહેશે. આ સમયે કોર્ટે કટાક્ષ કર્યો હતો કે આ માટે તે પહેલાં માફીની સાક્ષી બની શકે છે.
શિલ્પાને લોસ એન્જેલેસમાં યુટયુબર મિ. બીસ્ટ દ્વારા એક કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવી છે અને તેની ટિકિટ આવી ગઈ છે. ૨૨થી ૨૭ ઓક્ટોબર સુધી જ પ્રવાસ કરશે તેનો પુત્ર તેની સાથે રહેશે જ્યારે માતા અને પુત્રી મુંબઈમાં રહેશે. તેની સામે બીજો કોઈ કેસ નથી મનોરંજન વ્યવસાયમાં છે અને તેણે લોસ એન્જલિસ શૂટિંગ માટે જવાનું છે.
જોકે, ફરિયાદીના વકીલોએ આ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અગાઉ શિલ્પાએ ફરવા જવા માટે અરજી કરી હતી. તેનો ઈન્કાર થતાં હવે તે પ્રોફેશનલ એન્ગેજમેન્ટનું બહાનું કાઢી રહી છે. વ્યાવસાયિક કરાર વિશે કોર્ટે પૂછતાં વકિલે જણાવ્યું હતું કે કોર્ટ પરવાનગી આપે નહીં ત્યાં સુધી કરાર થઈ શકે નહીં.









