પાર્થ પવારને સરકારી જમીન વેચનારી શિતલ સામે વધુ એક કેસ
વાહન ખરીદી અને બિઝનેસ વિસ્તારણના બહાને અનેક લોન લીધી પછી રકમ અન્ય હેતુ માટે ડાઈવર્ટ કરી
મુંબઇ - મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારના પુત્ર પાર્થ પવારના કંપની સંબંધીત પુણેના મુંઢવાન વિવાદાસ્પદ જમીન સોદા કેસમાં આરોપી શિતલ તેજવાનીની પિંપરી - ચિંચવડમાં સેવા વિકાસ કૉ-ઓપરેટીવ બેન્ક સાથે સંકળાયેલા જૂના લોન ડિફોલ્ટ અને છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
ગત વર્ષના પ્રકાશમાં આવેલા પુણેના રૃા.૩૦૦ કરોડની વિવાદાસ્પદ જમીન સોદામાં તેજવાની પાવર ઓફ એટર્ની ધારક હતા. તેના પર મુંઢવા સ્થિત સરકારી જમીન પાર્થ પવારની એમાડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપીને વેચવાનો આરોપ છે. આ કેસમાં અજીત પવારના પુત્ર પાર્થ પવાર ભાગીદાર છે.
પોલીસે જણાવ્યું હતું કે જમીન સોદાના કેસમાં શિતલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતી. હવે તેની રૃા.૭.૨૫ ક રોડથી વધુની લોનના કથિત ડિફોલ્ટ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને છ જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
મહારાષ્ટ્ર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી) મુજબ તેજવાનીએ વાહન ખરીદી અને બિઝનેસ વિસ્તરણ માટે બેન્ક પાસેથી લોન લીધી હતી. પરંતુ લોનની રકમને અન્ય હેતુઓ માટે ડાયવર્ટ કરી હતી.
લકઝરી રેન્જ રોવર ખરીદવા માટે લીધેલી રૃા.ત્રણ કરોડની લોનમાંથી કથિત રીતે વપરાયેલી લેમ્બોર્ગિની ખરીદી હતી. જ્યારે વ્યવસાય વિસ્તરણ માટે લેવામાં આવેલા રૃા.બે કરોડ એક સહઆરોપીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વાહન ખરીદી માટે લેવામાં આવેલી રૃા.૨.૨૬ કરોડની લોન બીજા આરોપીના સેવિંગ એકાઉન્ટમાં ડાયવર્ટ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આ કેસમાં વ્યાજ સહિત કુલ બાકી રકમ વધીને રૃા.૨૦.૪૯ કરોડ થઇ ગયા છે. આ કેસ સેવા વિકાસ સહકારી બેન્કમાં થયેલા મોટા લોન સૌભાંડનો એક ભાગ છે. જેમાં ૨૩૮ કલોડ રૃપિયાની લોન નોન-પર્ફોમિંગ એસેટ્સ (એનસીએ)માં ફેરવાઇ ગઇ હતી. ૬૭ લોન લેનારાઓમાં ૧૦૪ લોન એકાઉન્ટની મુદત વીતી ગઇ છે. એમાં વ્યાજ સાથે કુલ રૃા.૪૩૬.૯૮ કરોડ બાકી છે. પોલીસે જમાવ્યું હતું કે તેજવાનીના જ છ લોન ખાતામાં ડિફોલ્ટ થયા છે.
તપાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે લેમ્બોર્ગિની વાહન માટે ફેક રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ (આરસી) બનાવવામાં આવ્યું હતું. તે ક્યારે આરટીઓમાં નોંધાયેલું નહોતું.


