Get The App

શરીફૂલના પિતાનો દાવો : સૈફની બિલ્ડિંગના સીસીટીવીમાં દેખાય છે તે મારો પુત્ર નથી

Updated: Jan 24th, 2025

GS TEAM

Google News
Google News
શરીફૂલના પિતાનો દાવો : સૈફની બિલ્ડિંગના સીસીટીવીમાં દેખાય છે તે મારો પુત્ર નથી 1 - image

પોલીસે મારા દીકરાને ખોટી રીતે પકડયો છે 

મારો દીકરો ઓળખ બદલી નાખે તો પણ તેને ઓળખવામાં હું થાપ ન ખાઉં, તે કુસ્તીબાજ પણ નથી

મુંબઇ: સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. આરોપી શરીફૂલ શહેઝાદના પિતા રુહેલ અમીન ફકીરે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. હુમલા વખતે સૈફની બિલ્ડીંગના સીસીટીવી કેમેરામાં દેખાતો શંકાસ્પદ આરોપી તેનો પુત્ર નથી. પોલીસે મારા પુત્રની ખોટી રીતે ધરપકડ કરી છે.  તેણે ક્યારેય કુસ્તી કરી નથી, તેને તે પસંદ નથી.

આમ આરોપી શહેઝાદના પિતાનું નિવેદન પોલીસના દાવાથી વિરોધાભાસી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શરીફુલ ઇસ્લામ શહેઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર ઉર્ફે વિજય દાસ (ઉં.વ.૩૦)ની ધરપકડ કરી છે તેણે જ સૈફ પર હુમલો કર્યો હોવાનું પોલીસે કહ્યું છે.

આરોપી શહેઝાદના પિતા સાથે એક ન્યૂઝ ચેનલે વાત કરી હતી. તેમને વોટ્સએપ પર સીસીટીવી અને તેના પુત્ર બંનેના ફોટો મોકલવામાં આવ્યા હતા. તેના પિતા રુહેલે દાવો કર્યો હતો કે પોલીસ દ્વારા સીસીટીવીમાં દેખાડવામાં આવેલ ફોટો કોઇ બીજાનો છે. હું  શહેઝાદનો પિતા છું, ધ્યાનથી ફોટો જોયો બાદ જ આ કહું છું. સૈફના ઘરે સીસીટીવીમાં દેખાતો શકમંદ મારો પુત્ર નથી. જેની ધરપકડ કરવામાં આવી છે તે મારો પુત્ર છે. શકમંદની ઉંચાઇ પણ મારા પુત્ર જેટલી નથી. મેં ફોટો ઘણીવાર જોયો છે. મારા પરિવારને પણ બતાવ્યો છે.

શહેઝાદના પિતાએ વધુમાં કહ્યું કે તમારો આટલો મોટો દેશ છે દરેકનો ચહેરો કોઇના કોઇ વ્યક્તિ સાથે મળતો આવે છે બંને ફોટો ખૂબ જ અલગ છે. બંનેમાં ઘણો તફાવત છે. પોલીસે મારા પુત્રની ખોટી રીતે ધરપકડ કરી છે. મારો દીકરો ક્યારેય આ રીતે વાળ રાખતો નથી. સીસીટીવીમાં દેખાય છે તેના વાળ આગળ તરફ છે. પોલીસ કહી રહી છે કે શહેઝાદે ઘટના બાદ તેના વાળ  કપાવી દીધા હતા.

આમ પર રુહેલે કહ્યું કે 'હું તેના પિતા છું. જો તે તેના વાળ કાપી નાખે તો પણ હું તેને ઓળખી લઇશ.  જો કે પોલીસનું કહેવું છે કે તેમણે આ  મામલામાં દરેક રીતે તપાસ કરી છે. તેઓ સંપૂર્ણ તપાસ બાદ જ અહીં પહોંચ્યા છે. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે એવો પણ દાવો કર્યો છે કે ઘટના સ્થળેથી શહેઝાદની ૧૯ ફિંગર પ્રિન્ટસ મળી છે જેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ એક હાઇપ્રોફાઇલ કેસ છે અને હવે આરોપીના પિતાએ મહત્વનો દાવો કર્યો હોવાથી તેની પણ તપાસ કરવી જરૂરી છે.