આ વર્ષે શારદીય નવરાત્રિ મહોત્સવ 9 નહીં 10 દિવસનોઃ આસો સુદ ત્રીજ વૃદ્ધિ તિથિ છે

દેવીમાનાં મંદિરોમાં પૂજન-અર્ચન, ચંડીપાઠ ,ચંડીયજ્ઞાનું આયોજન
ત્રીજું નોરતું બે દિવસ(૨૪,૨૫ -સપ્ટેમ્બર) રહેશે ઃ વિવિધ નવરાત્રિ મંડળોમાં આદ્ય શક્તિ અંબાજીની મૂર્તિઓનું આગમન, ગરબા, દાંડિયા રાસનું આયોજન થશે
મુંબઈ - 2025ની શારદીય નવ રાત્રિ મહોત્સવ નવ નહીં પણ ૧૦ રાત્રિનો છે. સામાન્ય રીતે નવ રાત્ર મહોત્સવ નવ રાત્રિનો હોય છે. એટલે કે આ વર્ષે નોરતાં ૧૦ દિવસનાં છે. ૨૦૨૫
નવ રાત્ર મહોત્સવ અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રિ માતા જગત જનની જગદંબાના પૂજન -અર્ચનનું અને આરાધનાનું પરમ પવિત્ર શુભ પર્વ છે. ૨૦૨૫ની નવ રાત્રિનો શુભ આરંભ (પહેલું નોરતું) અશ્વિન માસની એકમ(૧) તિથિ, સોમવાર, ૨૨, સપ્ટેમ્બરે, થઇ રહ્યો છે. જ્યારે નવ રાત્ર મહોત્સવની પૂર્ણાહૂતિ (છેલ્લું નોરતું) બીજી ઓક્ટોબરે થશે.
જાણીતા જ્યોતિષાચાર્ય કેતન પોપટે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે હિન્દુ પંચાંગ મુજબ ૨૦૨૫ના વર્ષના આસો મહિનાના નવ રાત્રિ મહોત્સવમાં ત્રીજની તિથિ વૃદ્ધિ તિથિ છે. વૃદ્ધિ તિથિ એટલે વધુ એક તિથિ. ત્રીજની વૃદ્ધિ તિથિ હોવાથી ત્રીજું નોરતું બે દિવસ(૨૪,૨૫ સપ્ટેમ્બર) સુધી રહેશે. આ ગણતરીએ આ વર્ષની નવ રાત્રિ નવને બદલે દસ રાત્રિની છે. તિથિ સૂર્યોદય સાથે જ શરૃ થાય અને સૂર્યાસ્ત સાથે પૂર્ણ થાય.
નવ રાત્રિ દરમિયાન ક્યારેક તિથિનો કદાચ ક્ષય પણ હોય તો તે નવને બદલે આઠ દિવસ થાય. નવ રાત્રિ આઠ દિવસની થાય. તિથિ વધુ કે ઓછી ન હોય તો પરંપરા મુજબ નવ દિવસની નવ રાત્રિ હોય. નવ રાત્રિ મહોત્સવમાં અષ્ટમી અને નવમી(નોમ) તિથિ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ મહત્વની ગણાય. એટલે જ આઠમા નોરતે ચંડી યજ્ઞા થાય, જ્યારે નવમા નોરતે સરસ્વતી પૂજન થાય છે. સાથોસાથ એકમ,ત્રીજ,પાંચમ, સાતમ, નોમના શુભ દિવસોએ ભક્તજનો અનુષ્ઠાન કરે છે.
મુંબઇમાં મુંબાદેવી મંદિરનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે ૨૦૨૫ની શારદીય નવ રાત્રિના પહેલા નોરતાનો શુભારંભ ૨૨, સપ્ટેમ્બરે, સોમવારે ,મંદિરમાં વહેલી સવારે ૫ ઃ૩૦ વાગે મંગલા આરતી સાથે શરૃ થશે. મંગલા આરતી બાદ તમામ ભક્તજનો દેવી માતાજીનાં દર્શન કરશે. ત્યારબાદ ઘટસ્થાપન વિધિ સવારના ૭ ઃ ૮ દરમિયાન થશે.મંદિરમાં દરરોજ ૨૧ પૂજારીઓ ચંડીપાઠ કરશે.
પાંચમા નોરતે (૨૬, સપ્ટેમ્બર) મુંબાદેવી મંદિરમાં સાંજે ૬ ઃ૦૦ વાગે દીપોત્સવ થશે. નવમી(નવમું નોરતું ઃ ૧, ઓક્ટોબર)એ મંદિરમાં સવારે ૧૦ ઃ૦૦ થી સાંજે ૫ ઃ૩૦ દરમિયાન ચંડી મહાયજ્ઞા થશે. આ તમામ શુભ પ્રસંગે ભક્તજનો દેવી માતાજીનાં દર્શન કરી શકશે.
નવ રાત્રિ મહોત્સવ શરૃ થઇ રહ્યો છે ત્યારે ખેતવાડીમાં આવતીકાલે ૨૧, સપ્ટેબરે દુર્ગા માતાજીની ૨૬ ફૂટની વિશાળ,મનોહર મૂર્તિનું પૂજન-અર્ચન, આરતી સાથે આગમન થશે.
મુંબઇનાં પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં આવેલાં અંબાજીનાં અને દુર્ગા માતાજીનાં મંદિરોમાં દસ દિવસ દરમિયાન દેવીમાની મૂર્તિનું આગમન , ઘટસ્થાપના, પૂજન-અર્ચન, દર્શન, ચંડી મહાયજ્ઞા વગેરેની તૈયારી શરૃ થઇ ગઇ છે. ૨૦૨૫ની નવ રાત્રિ મહોત્સવ દરમિયાન ગુજરાતીઓની બહોળી વસતિ ધરાવતાં બોરીવલી, કાંદિવલી,મલાડ, ઘાટકોપર,મુલુંડ વગેરે પરાંમાં ભારે ધામધૂમથી ગરબા,ગરબી, દાંડિયારાસનું આયોજન થયું હોવાના અહેવાલ મળે છે.









