500 કરોડનું કૌભાંડ ગાજતાં શનિ શિંગણાપુર મંદિર હવે સરકાર હસ્તક

કલેક્ટરના વડપણ હેઠળની કમિટી સંચાલન કરશે
બોગસ એપ દ્વારા કરોડોનાં દાન બારોબાર વગે ઃ હજારો બોગસ કર્મચારીઓ સહિતની ગેરરીતી
મુંબઈ - મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિરના સંચાલકો દ્વારા ૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આરોપો બાદ આખરે આ મંદિર સરકાર હસ્તક લઈ જિલ્લા કલેક્ટરને તેનો કારભાર સોંપવાનો નિર્ણય લેવાયો છે.
મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા બોગસ એપ દ્વારા કરોડોનું દાન સગેવગે કરાયું હોવાના તથા બોગસ કર્મચારીઓની ભરતી કરી પગાર પેટે કરોડો રુપિયા ઉપાડી લેવાયા હોવા સહિતના આક્ષેપો થયા હતા. આ મામલો વિધાનસભામાં પણ ગાજ્યો હતો.
હવે સરકારે ટેમ્પલ મેનેજમેન્ટ એક્ટ હેઠળ કમિટી રચી તેનો કારભાર ચલાવવાનું નક્કી કર્યું છે. કમિટી રચાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા તરીકે અહિલ્યા નગરના જિલ્લા કલેક્ટર કાર્યભાર સંભાળશે.
દર્શન માટે બનાવટી એપ્લિકેશનના માધ્યમે ભાવિકો પાસેથી કરોડો રુપિયાની લૂંટ કરવામાં આવ્યાની વાત વિધાનસભામાં પણ ચર્ચાઈ હતી. ત્યારે ભ્રષ્ટ ટ્રસ્ટીઓ સામે કાર્યવાહીનું આશ્વાસન મુખ્યમંત્રી ફડણવીસે આપ્યું હતું. તેમાંય તપાસ દરમ્યાન જ મંદિરના ટ્રસ્ટી મંડળના એક સભ્યએ આત્મહત્યા કરતાં વિવાદ વકર્યો હતો.
આ બધા વિવાદોને પગલે મંદિર મેનેજમેન્ટમાં ચાલતી લોલમલોલને ધ્યાને રાખી રાજ્ય સરકારે હવે ટ્રસ્ટ બોર્ડને સ્થાને મેનેજમેન્ટ કમિટીને મંદિરનો કારભાર સોંપવાનો નિર્ણય લીધો છે.








