કરોડાના કૌભાંડ અને ભરતી બદલ શનિ શિંગણાપુર મંદિર ટ્રસ્ટનું વિસર્જન
ટ્રસ્ટીઓની સંપત્તિની પણ તપાસ કરવાની સી.એમ.એ જાહેર કર્યું
મુંબઈ - શનિ શિંગણાપુરમાં શ્રી શનેશ્વર દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અધિકારીઓએ કરોડો રૃપિયાના કૌભાંડો કર્યા છે. અને ત્યાંના ટ્રસ્ટી બોર્ડને વિસર્જન કરવામાં આવશે. એવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. આ ટ્રસ્ટીઓની સંપત્તિના ગેર ઉપયોગની તપાસ કરવામાં આવશે. એટલું જ નહિ તેમની સામે કેસ નોંધવામાં આવશે.
ભગવાનના નામે ભ્રષ્ટાચાર કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. એમ ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું. આ મંદિરમાં થયેલા કૌભાંડ અંગે સ્થાનિક ધારાસભ્ય વિઠ્ઠલ લાંધેએ લક્ષવેધી સૂચન અંતર્ગત કહ્યું કે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ એક નકલી એપ બનાવી હતી અને તેના પર લાખો ભક્તો પાસે પૂજા માટે દાન સ્વીકાર્યું હતું, એટલું જ નહિ આવી ત્રણ- ચાર નકલી એપ હતી એમ લાંધેએ ઉમેર્યું હતું.
આ સિવાય બોગસ ભરતી પર તેમણે પ્રકાશ પાડયો હતો. અહીં લગભગ ૧૦૦ કરોડ રૃપિયાથી વધુનું કૌૈભાંડ છે, જ્યારે ધારાસભ્ય સુરેશ ધસેએ ટીકા કરતાં કહ્યું કે આ કૌભાંડ રૃા. ૫૦૦ કરોડનું છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દર અઠવાડિયે ૧૦ કરોડ રૃપિયાની જમીનો સંપાદિત કરી રહ્યા હતા.
શનિ શિંગણાપુરના શનિમંદિરમાં થયેલા કૌભાંડમાં પોલીસે એફ.આઇ.આર. દાખલ કરી છે. તેમાં કૌભાંડીઓ સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. આ કૌભાંડની બહારના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ તપાસ કરાશે. કારણ કે અગાઉ ચેરિટીના એક અધિકારીએ આ બધુ હોવા છતાં ક્લીન ચીટ આપી હતી. આવા ખોટા રિપોર્ટ આપનારા અધિકારીની તપાસ કરાશે એમ સી.એમ.એ જણાવ્યું હતું.