Get The App

ન્યુયોર્કના મેયર ઝોહરાન મમદાનીને શબાના આઝમી, હંસલ મહેતા,ઝોયા અખ્તરે વધાવ્યા

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
ન્યુયોર્કના મેયર ઝોહરાન મમદાનીને શબાના આઝમી, હંસલ મહેતા,ઝોયા અખ્તરે વધાવ્યા 1 - image

ઝોહરાનની માતા મીરા નાયરની ફિલ્મ રિલક્ટન્ટ ફંડામેન્ટાલિસ્ટમાં શબાના આઝમીએ કામ કરેલું

 ઝોહરાને વિજય પ્રવચનમાં જણાવ્યું, હું એક યુવાન મુસ્લિમ છું. મને મુસ્લિમ હોવાનો કોઇ અફસોસ નથી  

મુંબઇ -  ન્યુ યોર્કના મેયરપદે ચૂંટાઇ અમેરિકન રાજકારણમાં ભૂકંપ સર્જનાર ભારતીય વંશના ડેમોક્રેટ અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર ૩૪ વર્ષના ઝોહરાન મહેમૂદ મમદાનીને ભારતમાંથી પીઢ અભિનેત્રી શબાના આઝમી, ફિલ્મ મેકર્સ હંસલ મહેતા અને ઝોયા અખ્તરે બુધવારે અભિનંદન આપ્યા હતા. પહેલી જાન્યુઆરીએ જ્યારે ઝોહરાન મમદાની મેયરનો હોદ્દો સંભાળશે ત્યારે તે આ હોદ્દા પર આવનાર તે આફ્રિકામાં જન્મેલાં મુસ્લિમ, ભારતીય મૂળના અને સૌથી નાની વયના મેયર બનશે. મમદાનીએ મેયરની ચૂંટણીમાં અન્ય બે ઉમેદવારો અપક્ષ એન્ડ્રયુ કુમો અને રિપબ્લિકન કર્ટિસ સ્લિવાને હરાવી વિજય મેળવ્યો હતો.

હાલ અમેરિકામાં વસતાં મીરા નાયરની ૨૦૧૧માં આવેલી ફિલ્મ રિલક્ટન્ટ ફંડામેન્ટાલિસ્ટમાં મુખ્ય ભૂમિકા ભજવનારી શબાના આઝમીએ લાંબી પોસ્ટ સોશ્યલ મિડિયા પર મુકી મમદાનીને અભિનંદન આપ્યા હતા. શબાનાએ જણાવ્યું હતું કે ઝોહરાન મીરા અને મહમૂદનો પુત્ર છે એટલે નહીં પણ તે સામાજિક ન્યાય મળશે તેવી આશા રાખવાનું કારણ બન્યો છે એટલે મને તેના વિજયથી ચન્દ્ર પર પહોંચી જવા જેટલી ખુશી થઇ છે. તમામ પ્રકારના નકારાત્મક પ્રચાર છતાં અને ટ્રમ્પે પણ એમ કહ્યુ હતું કે હું તેના કરતાં સારો દેખાઉ છું તેમ છતાં તેણે વિજય મેળવ્યો છે. ઝોહરાન યુવાન અને આશાસ્પદ છે, તેને વધારે બળ મળે. 

ઝોયા અખ્તર, હંસલ મહેતા, સોનમ કપૂર, અલી ફઝલ, તિલ્લોત્તમા દાસ અને નમિત દાસે પણ ઝોરહાન મમદાનીને વિજય આપતી પોસ્ટ શેર કરી તેમનો આનંદ વ્યક્ત કર્યો હતો. હંસલ મહેતાએ ઝોહરાનને અંધકારમાં આશાનું કિરણ ગણાવ્યો હતો. 

હોલિવૂડના સ્ટાર્સ ઓસ્કર વિજેતા લુપિતા ન્યોંગઓ, પેદ્રો પાસ્કલ અને માર્ક રફાલોએ પણ ઝોહરાન મમદાનીના ચૂંટણી વિજયની ઉજવણી કરી હતી. ન્યોગઓએ ઇન્સ્ટા સ્ટોરીમાં મમદાનીની વિનિંગ પોસ્ટ શેર કરી હતી. ૨૦૧૬માં મીરા નાયરની છેલ્લી ફિલ્મ ક્વિન્સ ઓફ કાટવેમાં મહત્વની ભૂમિકા ભજવનાર લુપિતાએ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમ્યાન મમદાનીની પડખે રહી હતી. 

યુગાન્ડામાં જન્મેલાં અને ઉછરેલાં ઝોહરાન મમદાની સાત વર્ષની વયે તેના પરિવાર સાથે ન્યુ યોર્કમાં સ્થળાંતર કર્યું હતું. ઝોહરાન મમદાની ૨૦૧૮માં નેચરલાઇઝડ યુએસ સિટિઝન બન્યા હતા. ઝોહરાને તેના વિજય પ્રવચનમાં જણાવ્યું હતું કે હું યુવાન છું, મુસ્લિમ છું. મને મુસ્લિમ હોવા બદલ કોઇ અફસોસ નથી. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરૃના પ્રવચનને ટાંકી મમદાનીએ જણાવ્યું હતું કે ઇતિહાસમાં એવી ક્ષણ ભાગ્યે જ આવે છે જ્યારે આપણે જુનું ત્યજી નવામાં પ્રવેશીએ છીએ. જ્યારે એક યુગ સમાપ્ત થાય અને દેશનો આત્મા જાગે ત્યારે તેના લાંબા સમયથી દબાયેલાં અવાજને શબ્દો મળે છે. આજે આપણે જુનાને ત્યજી નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ.