નવી મુંબઈમાં પાણીની તીવ્ર તંગી સર્જાઈ, લાખો લોકો પાણી વિના
એમઆઈડીસીએ કશું વિચાર્યા વિના પાણી પુરવઠો અન્યત્ર વાળ્યો
21મી સદીનાં શહેર તરીકે પ્લાન કરાયેલાં નવી મુંબઈમાં પાયાની સુવિધાઓના જ ધાંધિયાઃ પાણી આવે તો લોટરી લાગવા જેવું લાગે છે
મુંબઈ : નવી મુંબઈ મહાપાલિકા અને એમઆઈડીસીના કંગાળ વહીવટને કારણે તુર્ભે એમઆઈડીસી, ખાસ કરીને તુર્ભે સ્ટોર, ઈન્દિરા નગર, હનુમાન નગર, ગણેશ નગર, ચુના ભટ્ટી વિસ્તારના રહેવાસીઓએ તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. તેમનો આક્ષેપ છે કે તેમને મળનારા પાણીને બીજે વાળી દેવામાં આવી રહ્યું છે.
૨૧મી સદીના શહેર તરીકે જેની ગણના થાય છે અને પોતાના પડોશી શહેરોથી વિપરીત જ્યાં પાણીનો પૂરવઠો ભરપૂર હોવાનું કહેવામાં આવે છે તેવા નવી મુંબઈના એક લાખથી વધુ નાગરિકો છેલ્લા કેટલાક મહિનાઓથી પાણીની અનિયમિત સપ્લાયથી અને તીવ્ર અછતથી પીડાઈ રહ્યા છે, ખાસ કરીને જ્યારથી ઉનાળાની શરૃઆત થઈ છે ત્યારથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ વિસ્તારના રહેવાસીઓનો આક્ષેપ છે કે તેમને મળતા પાણી પૂરવઠાને અન્યત્ર વાળી દેવામાં આવ્યો છે.
નવી મુંબઈ પાલિકા પાસે મોર્બે ડેમ હોવાથી નવી મુંબઈને ૨૪ કલાક પાણી મળે છે જ્યારે તેની પડોશના પનવેલ, થાણે અને મુંબઈમાં પાણીની તંગી અનુભવાતી હોય છે. ઉપરાંત નવી મુંબઈ પાલિકા દિઘા, ઐરોલી, ઘણસોલી, તુર્ભે જેવા વિસ્તારોને પણ પાણી પૂરુ પાડે છે કારણ કે આ વિસ્તારોમાં પોતાનું પાણી સપ્લાય નેટવર્ક નથી.
આ વિસ્તારના રહેવાસીઓની ફરિયાદ છે કે ઘણી વાર તેમને બેથી ત્રણ દિવસ સુધી પાણી નથી મળતું અને પાણી પૂરવઠો ક્યારે રાબેતા મુજબ થશે તેના વિશે કોઈ માહિતી નથી આપવામાં આવતી. લોકો કહે છે કે હવે તો ક્યારેક પાણી આવે તો તેમને લોટરી લાગ્યા જેવી અનુભૂતિ થાય છે.
ઉપરાંત આ વિસ્તારમાં કેટલીક સોસાયટીઓએ વોટર પમ્પ બેસાડી દીધા હોવાથી તેઓ વધુ પ્રમાણમાં પાણી ખેંચી લે છે. આથી આવી સુવિધા જેની પાસે ન હોય તેમને ઓછા દબાણ સમયે બિલકુલ પાણી નથી મળતું. પરિણામે રહેવાસીઓ વચ્ચે આપસમાં ઝઘડાના બનાવ પણ વધી રહ્યા છે. નવી મુંબઈ પાલિકા પણ ક્યારેક અમુક વિસ્તારમાં પાણીના ટેન્કર મોકલે છે જ્યારે અન્ય વિસ્તારોમાં બિલકુલ પાણી નથી હોતું ત્યારે પણ સ્થાનિકોમાં વિવાદ સર્જાય છે.
પાણીનું દબાણ ઓછું હોવાને કારણે પ્રદુષિત પાણીની ફરિયાદ પણ વધી ગઈ છે. પરિણામે લોકોના આરોગ્ય સામે પણ જોખમ તોળાઈ રહ્યું છે.
નવી મુંબઈ પાલિકાના એન્જિનીયરે માહિતી આપી કે છેલ્લા કેટલાક સમયથી એમઆઈડીસી મિરા-ભાયંદર જેવા એમઆઈડીસીના અન્ય વિસ્તારને પાણી પૂરવઠો વાળી રહી છે. આથી દિઘા અને ઐરોલી જેવા વિસ્તાર રૃટમાં આવતા હોવાથી તેમને પાણી મળે છે પણ તુર્ભેને પાણી નથી મળી રહ્યું.
આ સમસ્યાના ઉકેલ તરીકે નવી મુંબઈ પાલિકા હવે એમઆઈડીસીમાં પાણી સંગ્રહની ક્ષમતા વધારી રહી છે. તુર્ભે સ્ટોર, હનુમાન નગર અને ગણપતિપાડા ખાતે ત્રણ નવી મોટી પાણીની ટાંકી બાંધવામાં આવશે. આ કાર્ય હવે અંતિમ તબક્કામાં છે અને આગામી એકથી બે મહિનામાં તૈયાર થઈ જશે. ત્યાર બાદ તુર્ભે અને અન્ય વિસ્તારમાં પાણી પૂરવઠો નિયમિત થશે.
આ વિસ્તારમાં નવી મુંબઈ પાલિકા નેટવર્કના કાયમી ઉકેલ માટે તેમણે જણાવ્યું કે એનો ખર્ચ વધુ હોવાથી સરકારી ગ્રાન્ટ મળ્યા પછી એનો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવશે.